પાટણ, 12 ઓક્ટોબર (હિ.સ.): પાટણ શહેરમાં પ્રથમવાર સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી 'પિન્ક પરેડ' (વોકાથોન)નું આયોજન થયું. આ વોકાથોન આનંદ સરોવર ખાતેથી મહેમાનોના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન થયું હતું, જે સુભાષ ચોક અને બગવાડા થઈ ફરી આનંદ સરોવર ખાતે પૂર્ણ થયું. 700થી વધુ મહિલાઓએ પિન્ક ટી-શર્ટ અને પિન્ક ટોપી પહેરી આ પરેડમાં ભાગ લીધો હતો. પોલીસે બેન્ડ અને સ્ટાફ સાથે વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
આ ઉદ્દેશમુલક કાર્યક્રમનું આયોજન આસ્થા કિડની હોસ્પિટલના ડૉ. સુરેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ પાટણ, પાટણ જિલ્લા પોલીસ, આઇ.એમ.એ. પાટણ અને 100 નચિકેતા ફાઉન્ડેશન કાર્યક્રમના સહયોગી ભાગીદાર રહ્યા હતા. પરેડ બાદ આનંદ સરોવરે કેન્સર જાગૃતિ સત્ર યોજાયું જેમાં ડૉ. જયેશભાઈ રાવલે બ્રેસ્ટ કેન્સર, ડૉ. ભાવિન વડોદરિયાએ સર્વાઇકલ કેન્સર, ડૉ. નૈસર્ગીએ કેન્સર નિવારણ અને ડૉ. નૂપુર પટેલે નિદાન અંગે માહિતગાર કર્યું. કેન્સરને હરાવનારા વોરિયર્સનું મહેમાનોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું.
આજરોજના ઇતિહાસિક કાર્યક્રમમાં ધારપુર હોસ્પિટલ અધ્યક્ષ ડૉ. પારુલબેન શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી. જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ અને બેબા શેઠે નાગરિકોને મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ માટે જાગૃત રહેવા અને આવાં અભિયાનમાં જોડાવાનું આહ્વાન કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ