સાવરકુંડલામાં દિપાવલીની રાત્રે ધધકતું ઈંગોરીયા યુદ્ધ: છ દાયકાથી ચાલતી અનોખી પરંપરા, હવે કોકડાથી થાય છે હર્બલ ફટાકડાની લડાઈ
અમરેલી, 12 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જ્યાં સમગ્ર દેશ ફટાકડાં ફોડીને ઉજવણી કરે છે, ત્યાં એક અનોખી પરંપરા આજે પણ જીવંત છે — “ઈંગોરીયા યુદ્ધ”. આ યુદ્ધની શરૂઆત આશરે છ દાયકાં પહેલાં થઈ હતી અને આજેય દર વર્ષે દિવાળીની
સાવરકુંડલામાં દિપાવલીની રાત્રે ધધકતું “ઈંગોરીયા યુદ્ધ” — છ દાયકાથી ચાલતી અનોખી પરંપરા, હવે કોકડાથી થાય છે હર્બલ ફટાકડાની લડાઈ


અમરેલી, 12 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જ્યાં સમગ્ર દેશ ફટાકડાં ફોડીને ઉજવણી કરે છે, ત્યાં એક અનોખી પરંપરા આજે પણ જીવંત છે — “ઈંગોરીયા યુદ્ધ”. આ યુદ્ધની શરૂઆત આશરે છ દાયકાં પહેલાં થઈ હતી અને આજેય દર વર્ષે દિવાળીની રાત્રે સાવરકુંડલામાં ધડાકાભેર આ લડાઈ રમાય છે.

ઈંગોરીયું એ એક હર્બલ પ્રકારનું ફટાકડું છે. ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે અને તેના ચીકુ જેવા ફળને “ઈંગોરીયું” કહેવામાં આવે છે. દિવાળી પહેલાંના એકાદ મહિના યુવાનો ગામડાંના વિસ્તારોમાં જઈને ઈંગોરીયા તોડે છે, તેને સુકવે છે અને પછી હર્બલ ફટાકડું તૈયાર કરે છે. ઈંગોરીયાની છાલ કાઢીને તેમાં કાણું પાડવામાં આવે છે, જેમાં દારૂ, ગંધક, સુરોખાર અને કોલસાની ભૂકીનું મિશ્રણ ભરી દેવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના ભુક્કાથી એ કાણું બંધ કરી સુકવવામાં આવે છે. આ રીતે બનેલું ઈંગોરીયું દિવાળીની રાત્રે આગના ધડાકા સાથે ફાટી નીકળે છે.

આ પરંપરાગત “ઈંગોરીયા યુદ્ધ”માં બે જૂથ — “સાવર” અને “કુંડલા” — વચ્ચે લડાઈ યોજાય છે. બંને પક્ષના યુવાનો હાથમાં ઈંગોરીયાના થેલા લઈને મેદાનમાં ઉતરે છે. કાથીની વાટ કે જામગરી વડે ઈંગોરીયું સળગાવી એકબીજા તરફ ફેંકવામાં આવે છે. સળગતા ઈંગોરીયાં રાત્રિના અંધારામાં આગના ફુવારા ફેંકતા દોડે છે, જે દૃશ્ય દિલધડક અને રોમાંચિત બનાવે છે. આનંદ, કીકીયારી, નાસભાગ અને હાસ્ય સાથે આ લડાઈ રાતના દસ વાગ્યાથી સવાર સુધી ચાલે છે.

જોકે કયારેક કોઈના કપડાં દાજી જાય છે કે નાનાં ઇજા થાય છે, પણ મોટા નુકસાનનું જોખમ ટાળવા માટે વનવિભાગ અને પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત કરવામાં આવે છે. આજકાલ ઈંગોરીયાના વૃક્ષો ઓછા થતા, યુવાનો હવે “કોકડા” વડે આ હર્બલ ફટાકડાં તૈયાર કરે છે. સામગ્રીમાં ફેરફાર થયો છે, પરંતુ આ લોકપરંપરા આજે પણ અવિચલ રીતે જળવાઈ છે.

સમય સાથે સ્ત્રીઓએ પણ આ કળાને ગૃહઉદ્યોગ રૂપે અપનાવી છે. સાવરકુંડલાની મહિલાઓ હવે ઈંગોરીયા કે કોકડા વડે હર્બલ ફટાકડા તૈયાર કરે છે, જેને સ્થાનિક સ્તરે સારા બજાર મળતા રહ્યાં છે.

દિવાળીની રાત્રે સાવરકુંડલાની આ ઈંગોરીયા લડાઈ જોવા આજે પણ દુરદુરથી લોકો ઉમટી પડે છે. આધુનિક ફટાકડાંના યુગમાં પણ આ પરંપરાગત “ઈંગોરીયા યુદ્ધ” દિવાળીની ઉજવણીમાં અલગ જ જાદુ ઘોળી દે છે — જ્યાં શૌર્ય, પરંપરા અને આનંદ એકસાથે ઝળહળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande