પાટણ, 12 ઓક્ટોબર (હિ.સ.): હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ, અનાવાડાના લાભાર્થે 1લી ડિસેમ્બરથી 7મી ડિસેમ્બર દરમિયાન ભવ્ય ગૌ ભાગવત કથા યોજાનાર છે. આ કથાનું આમંત્રણ આપવા માટે પાટણના વાળીનાથ ચોકથી ત્રણ પવિત્ર રથો — 'સુરભી રથ', 'કપિલા રથ' અને 'દેવકી રથ'નું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું. નાની બાળિકાઓએ કળશ ધારણ કર્યા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગૌભક્તોએ ગૌમાતાની આરતી ઉતારીને માંગલિક કાર્યની શરૂઆત કરી હતી.
આ રથયાત્રાનો મુખ્ય હેતુ ગૌ હોસ્પિટલના નિર્માણ માટે સહયોગ મેળવવાનો અને અનાવાડા ગૌશાળામાં યોજાનારી કથામાં સૌને આમંત્રિત કરવાનો છે. દરેક ગામમાં રથપ્રસ્થાન સમયે બેનરો, સ્ટિકરો અને પત્રિકાઓ દ્વારા કથાનું આમંત્રણ આપવામાં આવશે. ગામડાઓમાં ગ્રામ સમિતિ દ્વારા આયોજન કરી, યુવાનોને કથા સ્થળે લાવવા માટે જવાબદારી આપવામાં આવી છે.
મુકુંદ પ્રકાશજી મહારાજે શ્રીફળ વધેરીને રથયાત્રાનું પ્રારંભ કર્યું હતું અને જણાવ્યું કે પાટણ ધન્ય છે જ્યાં કાંચી પીઠના શંકરાચાર્ય સહિત અનેક સંતોના પગલાં પડ્યાં છે. તેમણે કથાની તૈયારીઓ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો અને સર્વે ગૌભક્તોને સહકાર આપવા માટે ભાવભીની અપીલ કરી હતી. રથયાત્રા દરમિયાન રાત્રે ભજન-કીર્તન અને ગૌ ડાયરા પણ યોજાશે.
કથાના મુખ્ય વક્તા પૂજ્ય રમેશભાઈ ઓઝાના આગમનને લઈને પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. પાટણ શહેરને ત્રણ ભાગમાં વહેંચીને દરેક સોસાયટીમાં રથ લઈ જવાનું આયોજન થયું છે. ઉંઝા તાલુકા અને આસપાસના ગામોમાં પણ રથપ્રયાણ ચાલુ છે. માતૃશક્તિ સંમેલનો અને રસ્તાઓ પર ભવ્ય શોભા કાર્યક્ર્મોથી સમગ્ર પાટણ ગૌમય બની રહ્યું છે. દરેક પરિવાર માત્ર ₹૫૦નું ગૌ ગ્રાસ આપી આ પવિત્ર કાર્યોમાં ભાગીદારી કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ