- શોલર ઝટકા મશીન સહાયથી ખેતરની સુરક્ષા વધુ સુનિશ્ચિત બનશે અને કામમાં સહેલાઈ રહેશે
- વિકાસ સપ્તાહ અભિયાનમાં જયરાજભાઈએ સફળતા ગાથા રજુ કરી અન્ય ખેડૂતોને યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા
રાજપીપલા,13 ઓકટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહ ૨૦૨૫ના અવસરે નર્મદા જિલ્લાના ખડગદા ગામના પ્રગતિશીલ ખેડૂત જયરાજ તડવીએ પોતાની ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, જિલ્લા ખેતીવાડી વિભાગની કચેરી મારફતે તેમને શોલર ઝટકા મશીન માટે સરકાર તરફથી સહાય મળી છે.
તેમણે જણાવ્યું કે, વિકાસ સપ્તાહ અભિયાન હેઠળ સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવા માટે વિવિધ વિભાગો સતત પ્રયત્નશીલ છે. ગ્રામ સ્તરે યોજનાકીય માહિતી સરપંચ, તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવક મહત્વની ભૂમિકા નિભાવે છે.
જયરાજ તડવીને ગ્રામ સેવક પાસેથી આઈ-ખેડૂત પોર્ટલ અંગે માહિતી મળી. આ પોર્ટલ મારફતે ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની માહિતી મેળવી શકાય છે તેમજ ઓનલાઈન અરજી કરવાની સગવડ પણ ઉપલબ્ધ છે. તેમણે આ પોર્ટલ દ્વારા શોલર પાવર ઝટકા મશીન માટે અરજી કરી હતી.
સરકાર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત આર્થિક સહાય રૂપે રૂ.14500ની સબસીડી મળતા તેઓએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, અગાઉ ખેતરમાં મકાઈ, જુવાર, બાજરી અને ડાંગર જેવી પાકોની વાવણી કરી હતી, તે દરમિયાન જાનવરોને કારણે પાકોને ઘણું નુકસાન થતુ હતું પણ હવે શોલર ઝટકા મશીનથી ખેતરની સુરક્ષા વધુ સુનિશ્ચિત બનશે અને કામમાં સહેલાઈ મળશે અને રાત્રે મારે ઉજાગરા કરવા પણ ના પડે. ખેતરમાં હવે સહેલાઈથી સીઝન વાઈસ પાકો લઈ શકીશ. આ સહાયથી મને ખેતીમાં નવી ઉર્જા મળી છે, જે બદલ હું સરકારશ્રી અને ખેતીવાડી વિભાગનો આભારી છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં 15 ઓક્ટોબર દરમિયાન યોજાનાર વિકાસ સપ્તાહ અભિયાન અંતર્ગત વિકાસ રથ મારફતે લોકોને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવશે. સાથે સાથે જયરાજભાઈ જેવા લાભાર્થીઓની સફળતા ગાથાઓ દ્વારા અન્ય ખેડૂતોને યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ