
સુરત, 31 ઓક્ટોબર (હિ.સ.): શહેરના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામમાં આવેલ ઇન્ડિયા વન પેમેન્ટ લિમિટેડ કંપનીના એટીએમ ને તસ્કરોએ નિશાન બનાવવાની કોશિશ કરી હતી. તસ્કરોએ શટર તોડી નાખી એટીએમ મશીનમાં તોડફોડ કરી ચોરીની કોશિશ કરી હતી. પરંતુ તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા પરંતુ તેઓએ એટીએમ મશીન તથા શટર મળીને કુલ રૂપિયા 1.50 લાખનું નુકસાન પહોંચાડ્યું છે. જેથી આખરે કંપનીના કર્મચારીએ આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ચોરીની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં મહેશ્વર રોડ પર વન વિભાગની સામે ભાગવત કોલોની માં રહેતા પ્રણય સુભાષભાઈ જોશી એ ગતરોજ પાંડેસરા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રણયભાઈ ઇન્ડિયા વન પેમેન્ટ લિમિટેડ કંપનીમાં ફરજ બજાવે છે. તેઓએ ગતરોજ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પાંડેસરા વડોદ ગામમાં આવેલ જગદંબા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મુનલાઈટ કમ્પાઉન્ડમાં ઇન્ડિયા વન પેમેન્ટ લિમિટેડ કંપનીનું એટીએમ મશીન આવેલું છે. જેને ગતરોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તારીખ 28/10/2025 ના રોજ રાત્રે 11 થી 11:30 વાગ્યાના સમયગાળાની અંદર અજાણ્યા ચોર ઈસમોએ મુંનલાઈટ કમ્પાઉન્ડમાં ઇન્ડિયા વન પેમેન્ટ લિમિટેડ કંપનીના એટીએમ ને નિશાન બનાવવા માટે દુકાનનું શટર તોડી નાખી એટીએમ મશીનમાં તથા એસ એન જી લોક, બેટરી રૂમ ડોર તથા કેમેરાના કેબલ તોડી નાખ્યા હતા અને ચોરીની કોશિશ કરી હતી. પરંતુ તેઓ એટીએમ તોડવામાં નિષ્ફળ રહ્યા હતા અને કુલ રૂપિયા 1.50 લાખનું નુકસાન પહોંચાડ્યું હતું. જેથી પોલીસે પ્રણય જોશીની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઈસમો સામે ચોરીની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે