
જામનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના સરૂ સેક્શન રોડ પર પોલીસ હેડકવાર્ટર નજીક આવેલા મેદાનમાં શરૂ થયેલી ભાગવત્ સપ્તાહની બુધવારે પૂર્ણાહુતી થઈ હતી. પ્રખ્યાત કથાકારને સાંભળવા રોજેરોજ ભારે જનમેદની ઉમટતી હતી. તેમાં બુધવારે કેટલીક મહિલાઓ ભીડનો લાભ ઉઠાવી છ મહિલાના ગળામાંથી રૂપિયા સાડા ચારેક લાખની કિંમતના સોનાના ચેઈન સેરવી ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના સરૂ સેકશન રોડ પર આવેલા સરલાબેન ત્રિવેદી ભવન સામેના મેદાનમાં તાજેતરમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત સાત દિવસ સુધી આ સ્થળે સેંકડો ભાવિકો કથાશ્રવણ માટે ઉમટી પડ્યા હતા. જેમાં બુધવારના દિને કેટલીક મહિલાઓ હાથફેરોના ઈરાદાથી ઘૂસી હતી.
આ મહિલાઓએ ભીડનો ગેર ફાયદો ઉઠાવી છ મહિલાના ગળા અડવા કરી નાખ્યા હતા. જેમાં સાડા બાર તોલા વજનના સોનાના દાગીના તફડાવી લેવાયા હતા. બુધવારે બપોરે કથાની પૂર્ણાહુતી વખતે જામેલી ભીડમાં આ મહિલાઓએ એક અજાણ્યા મહિલાના ગળામાંથી ૧૫ ગ્રામનો સોનાનો ચેઈન ખુંચવી લીધો હતો.
તે રીતે પ્રતિક્ષાબેન પરેશભાઈ ઘુંચલા નામના મહિલાના ગળામાંથી પેંડલ સહિતનો ત્રણ તોલાનો સોનાનો ચેઈન, જયાબેન દયાશંકરભાઈ રવીયાનો ત્રણ તોલા અને પાંચ ગ્રામનો સોનાનો ચેઈન, દશરથબા રવિસિંહ જાદવનો દોઢ તોલાનો સોનાનો ચેઈન, રક્ષાબેન પ્રકાશચંદ્ર નામના મહિલાનો ૧૨ ગ્રામ વજનનો સોનાનો ચેઈન મળી છ ચેઈન, બે પેંડલ ઉઠાવી જવાયા હતા.
ઉપરોક્ત તમામ ચોરી અંગે જામનગરના ગોકુલનગરથી આગળ માધવ બાગ-૧માં રહેતા ડાહીબેન રતીલાલ ડાભી નામના મહિલાએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સાડા બાર તોલા સોનાના અને કુલ રૂ.૪ લાખ ૪પ હજારની કિંમતના સોનાના દાગીના ચોરી જવા અંગે અજાણ્યા મહિલાઓ સામે ગુન્હો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કથાની પૂર્ણાહુતીના દિવસે બપોરે ત્રણેક જેટલી મહિલાએ ભીડનો લાભ ઉઠાવી કસબ અજમાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે જ હોબાળો થતાં હાથફેરો કરવા આવેલી મહિલાઓએ દોટ મૂકી હતી પરંતુ જે ભીડનો ફાયદો ઉઠાવવા આ મહિલાઓ ત્યાં ઘૂસી હતી તે ભીડના કારણે જ નાસી શકી ન હતી અને બે મહિલા પકડાઈ ગઈ હતી. પોલીસને બોલાવીને તે મહિલાઓનો કબજો સોંપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt