
સુરત, 31 ઓક્ટોબર (હિ.સ.): શહેરના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં કેટલી ડાઈંગ આવેલી છે, જ્યાં અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. દરમિયાન અહીં આવેલી વધુ એક મિલમાં આગ લાગવાની ઘટનાને પગલે ત્યાં હાજર લોકો તેમજ અંદર કામ કરી રહેલા કારીગરોમાં ભાગદોડ મચી જવા પામી હતી એટલું જ નહીં પરંતુ મિલની અંદર મોટી સંખ્યામાં કારીગરો હાજર હતા, જોકે તેઓ સમયસર સુરક્ષિત રીતે મિલને બહાર નીકળી ગયા હતા. જ્યારે આ ઘટના અંગે જાણ થતા જ આગની ઘટનાની ગંભીરતાને સમજીને શહેરના જુદા જુદા ત્રણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ બુજાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા જીઆઇડીસી ખાતે ઓરિએન્ટ ડાઈંગ મિલ આવેલી છે ગઈકાલે રાત્રે રાબેતા મુજબ કારીગરો પોતાના કામમાં વ્યસ્ત હતા. દરમિયાન સેન્ટર મશીન વિભાગમાં સેન્ટર મશીનમાં આગ લાગી ગઈ હતી આશરે 10:52 કલાકે આ ઘટના અંગે ફાયર કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી બીજી તરફ સેન્ટર મશીન વિભાગમાં આગ લાગવાને પગલે ત્યાં હાજર કારીગરોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જોકે ત્યાં હાજર કારીગરો દ્વારા આગને બુજાવવા માટે ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
બીજી તરફ મિલમાં આગ લાગી હોવાની ઘટનાની ગંભીરતા સમજીને શહેરના ભેસ્તાન ડીંડોલી અને ઉધના ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
વધુમાં સબ ફાયર ઓફિસર રોહિત ખાલાસીએ જણાવ્યું હતું કે વધારે હિટિંગ થવાને કારણે સેન્ટર મશીનમાં આગ લાગી હતી આ ઘટના બની ત્યારે અંદર 25 થી 30 જેટલા કારીગરો હાજર હતા જો કે તેઓ ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને પોણા કલાકની જહેમત બાદ આગને કંટ્રોલમાં કરી લેવામાં આવી હતી જોકે આગ સમયસર કંટ્રોલમાં આવી જતા મોટું નુકસાન થતાં બચી ગયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે