
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો સોમવારે સવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ઘાટિત થશે. મેળામાં લોકોને આનંદથી ફરવા માટે ત્રણ વિભાગોમાં મોટી રાઈડો ઉભી કરાઈ છે, જ્યારે નાના બાળકો માટે અલગ લાઈનમાં ખાસ રાઈડ્સ તૈયાર કરવામાં આવી છે.
આ વર્ષે મેળામાં ખાણીપીણી માટે વિશેષ વિભાગ તેમજ ખરીદી માટે ૨૦ સ્ટોલની અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. પાલિકાના કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવેએ જણાવ્યું કે પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, કોર્પોરેટર તથા પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ વહીવટી તંત્રની ટીમ આખો મેળો સુચારૂ રીતે સંભાળશે.
મેળાની વિશેષતા રૂપે શેરડીનું બજાર પણ જામ્યું છે. પાલનપુરના વેપારી દશરથભાઈ પટણીના જણાવ્યા અનુસાર આ વર્ષે વરસાદના કારણે પાકને નુકસાન થવાથી શેરડીની આવક ઓછી છે, જેના કારણે હાલ શેરડીના ભાવ ૧૦૦ રૂપિયા ભારી સુધી પહોંચ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ