
સુરત, 31 ઓક્ટોબર (હિ.સ.) : શહેરમાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે. લગભગ રોજ એક વ્યક્તિ કોઈને કોઈ કારણસર અથવા આર્થિક સંકડામણ સહિતના કારણોને પગલે આપઘાત કરીને પોતાની જીવન લીલા સંકેલી રહી છે દરમિયાન વધુ એક આપઘાત નો બનાવ સામે આવ્યો છે. પાસોદરામાં ઇવેન્ટ મેનેજમેન્ટના કામ સાથે સંકળાયેલા આધેડે કારમાં ઝેર પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ વડોદરાના વતની અને હાલ પાસોદરા ગઢપુર રોડ પર આવેલ આતુલ્ય રેસીડેન્સીમાં રહેતા 54 વર્ષીય જગદીશભાઈ બાબુભાઈ પટેલ ઇવેન્ટ મેનેજમેન્ટના કામકાજ સાથે સંકળાયેલ હતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. દરમિયાન ગઈ કાલે રાત્રે જગદીશભાઈએ ઘર પાસે પોતાની ફોરવ્હીલ ગાડીમાં ઝેર પી લીધું હતું.ત્યાર બાદમાં પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ ઝેરી દવા પી ગયા છે. આ સાંભળતાજ પત્ની ચોકી ગઈ હતી અને તાત્કાલિક તેમની પાસે દોડી ગયા હતા અને તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જગદીશભાઈનું મોત નિપજ્યું હતું. જગદીશભાઈના મોત બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે