
વલસાડ, 31 ઓક્ટોબર (હિ.સ.) : રાષ્ટ્રના લોહ પુરુષ તરીકે ઓળખાતા અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે વલસાડ ખાતે 'એકતા માર્ગ દોડ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ હોવા છતાં નગરજનો, વિદ્યાર્થીઓ અને વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સવારે 8:30 કલાકે કલેક્ટર કચેરીથી દોડનો આરંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક અને પ્રાંત અધિકારીએ લીલો ઝંડો બતાવી દોડને પ્રસ્થાન કરાવી હતી. દોડ હાલર ચાર રસ્તા પાસેથી પસાર થઈ સર્કિટ હાઉસ સુધી પહોંચી પૂર્ણ થઈ હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા તથા અન્ય અધિકારીઓએ પણ દોડમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. વરસાદના કારણે શાળા વિદ્યાર્થીઓને સુરક્ષા માટે બસ દ્વારા કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલની કટિબદ્ધતા અને રાષ્ટ્રીય એકતા અંગે પ્રતિજ્ઞા લેવાઈ હતી. શહેરના ખેલપ્રેમીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડ્સ, યોગ ટ્રેનરો અને મોટા પાયે નાગરિકોએ હાજરી આપી દેશભક્તિ દર્શાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે