પાટણ, 5 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડું ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા યોજાયેલી 'જન આક્રોશ સભા'માં મોંઘવારી, બેરોજગારી, મંદી અને ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો પર જનતાનો અવાજ બુલંદ કરાયો હતો. સભાની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને પ્રદેશ પ્રતિનિધિમંડળનું સરઘસ રૂપે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
સભામાં ઉપસ્થિત નેતાઓએ ભારતીય જનતા પાર્ટી સામે આકરા આક્ષેપ કર્યા હતા. બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં વિપક્ષ દ્વારા ચલાવવામાં આવેલી વોટ ચોરી સામેની લડતને રેખાંકિત કરી હતી અને જણાવ્યું હતું કે ચૂંટણી પંચે વિરોધ પક્ષને અવગણ્યા હતા. પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે ભાજપ પર દારૂ વેચાણ અને પોલીસનો દુરુપયોગ કરવાના આરોપો મૂક્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષ નશો વેચી જીતવા કરતાં હારી જવું પસંદ કરશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ 2027માં સત્તા પરિવર્તન થાય તેવા સંકેત આપ્યા હતા અને જાહેરાત કરી હતી કે નવા સત્તાધિકાર મળ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ રાખવામાં આવશે. તદુપરાંત, વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધી પાસે માંગાયેલા એફિડેવિટના વિરોધમાં પાંચ કરોડ સહીઓ સાથે નવા એફિડેવિટ ચૂંટણી પંચને સુપરત કરવા હાકલ પણ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ