દેશાડ ગામે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
પોલીસે બન્ને સ્થળેથી કુલ રૂપિયા 29 હજારનો મુદ્દામાલ કબ્જે લઇને 2 ઇસમો સામે ગુનો દાખલ કર્યો
ભરૂચ 05 ઓક્ટોબર (હિ.સ.)
દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે તહેવારોની ઉજવણી ટાણે જિલ્લામાં, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ રહે તે માટે પોલીસ દ્વારા દારૂ જુગારના કેસ ઝડપી લઇને તેમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાલિયા તાલુકામાં બે અલગઅલગ સ્થળો પૈકી કનેરાવ ગામેથી આંક ફરકના આંકડાનો જુગાર ઝડપાયો હતો,જ્યારે દેશાડ ગામેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
વાલિયા પીઆઇ એમ.બી.તોમરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે કનેરાવ ગામના લીંભેટ ફળિયામાં રહેતા દિપક વસાવાને સટ્ટા બેટિંગના આંક ફરકના આંકડા લખવાના ગુના હેઠળ આંકડા લખેલ નોટબુક સહિત રોકડા રૂપિયા અને મોબાઇલ મળી કુલ રૂપિયા 6400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મુળ સુરત જિલ્લાના પિપોદરા ગામનો રહીશ અને હાલ વાલિયા તાલુકાના દેશાડ સાસરીમાં રહેતો સાવન વસાવાના સાસરીના ઘરની પાછળ અડાળીમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા 23525ની કિંમતની કુલ 103 નંગ બોટલો ઝડપી લીધી હતી અને પોલીસની રેઇડ દરમિયાન ઘરે હાજર નહિ મળેલ સદર ઇસમ સાવન વસાવા વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ