જામનગર, 5 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરની સો વર્ષ જુની જર્જરિત બનેલી સુભાષ માર્કેટને ડિમોલીશન કરવા માટે ખાલી કરવા મહાનગરપાલિકાના તંત્રએ વેપારીઓને ગત જુલાઈ માસમાં નોટીસ આપ્યા બાદ હાઈકોર્ટમાં વેપારીઓએ કરેલી અરજી પરત ખેંચાઈ જતાં અંદાજે શાકભાજી વેચાણના 288 ગાળા ધરાવતી માર્કેટને તંત્રએ બંધ કરીને કબ્જો લઈ લીધો છે. આ માર્કેટનું આગામી સમયમાં ટેન્ડરીંગ પ્રક્રિયા બાદ ડિમોલીશન હાથ ધરાશે.
ગત જુલાઈની શરુઆતમાં મ્યુ. એસ્ટેટ વિભાગ દ્વારા 100 વર્ષ જુની તદ્દન જર્જરિત એવી સુભાષ માર્કેટની જગ્યા ખાલી કરવા વેપારીઓને નોટીસો અપાઈ હતી. માત્ર બે જ દિવસનો સમય મળતાં વેપારીઓ મ્યુ. કમિશનર કક્ષાએ રજુઆત માટે દોડી ગયા હતા. ઉપરાંત થોડા દિવસો પછી વેપારી પક્ષે હાઈકોર્ટમા વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી સહિતના મુદ્દે અરજી પણ કરવામાં આવી હતી.
જેના પગલે ડિમોલીશનની કાર્યવાહી ઉપર બ્રેક લાગી હતી. બાદમાં હાઈકોર્ટમાંથી અરજી વીથ-ડ્રો થઈ ગયા પછી તંત્રએ ગત દિવસોમાં ક્રમશ: ચારેય દરવાજા બંધ કરવાની કામગીરી શરુ કરવા સાથે વેપારીઓને માલ સામાન કાઢી લેવા સમય અપાયો હતો. થોડા દિવસોની કામગીરી બાદ હવે આ માર્કેટ સંપુર્ણ બંધ કરી લેવામાં આવી છે.
આગામી સમયમાં આ માર્કેટને નોડવાની કામગીરી શરુ કરવામાં આવશે. જે માટે મહાનગરપાલિકા દ્વારા પોતાના જુના બિલ્ડીંગના ડિમોલીશનની કામગીરી જે રીતે કોન્ટ્રાક્ટર મારફત ટેન્ડર કરીને આવક સાથે કરવામાં આવી હતી. તે જ રીતે આ ઈમારતના ડેમોલીશનની કાર્યવાહી આગામી ઘમયમાં હાથ ધરાઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt