જામનગર, 5 ઓક્ટોબર (હિ.સ.) : સેવા, અનુશાસન અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' કાલાવડ તાલુકા દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીના દિને અતિથિ વિશેષ સાંઇરામભાઈ દવેની પ્રેરક ઉપસ્થિતમાં ઉત્સવ અને શસ્ત્રપૂજન યોજાયો. વિજયાદશમી ઉત્સવમાં કાલાવડ તાલુકાભર માંથી અંદાજિત ગણવેશ ધારી 300 સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ઘોષ પથકમાં પણ 25 જેટલા પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકોએ ઘોષનું વાદન કર્યું હતું.
વરસતાં વરસાદમાં પણ 25થી પણ વધુ મહેમાનો અને એક સંત હાજર હતા. સતત વરસાદ હોવા છતાં પણ 160 કરતા પણ વધુ માતાઓ બહેનોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. ઉત્સવમાં 150 કરતાં પણ વધુ ભાઈઓ પ્રેક્ષકો તરીકે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
અધર્મ પર ધર્મના વિજય અને અસત્ય પર સત્યના વિજય સમા વિજયાદશમી ઉત્સવ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિન, આ વર્ષ સંઘ શતાબ્દી વર્ષે હોવાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલાવડ દ્વારા આ પર્વની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી.
વિજયાદશમી ઉત્સવના મુખ્ય મહેમાન એવા વિશ્વ વિખ્યાત લોકસાહિત્યકાર સાંઈરામભાઈ દવે, ઉત્સવના વક્તા મહેશભાઈ સાપોવડિયા જામનગર ગ્રામ્ય વિસ્તારના બૌદ્ધિક પ્રમુખ અને સૂરજભાઈ બિંદ તાલુકા કાર્યવાહ કાલાવડના મંચસ્થ સ્થાને ઉત્સવ યોજાયો હતો. સૌ પ્રથમ અતિથિ વિશેષ, વક્તા અને સંઘના અધિકારી દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાર્થના કરવામાં આવી હતી. ઉત્સવના મુખ્ય મહેમાન સાંઈરામભાઈ દવેનું ભારત માતાની પ્રતિમા અર્પણ કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત અતિથિ વિશેષ દ્વારા શસ્ત્ર પૂજન કરીને કરવામાં આવી, ત્યાર બાદ સ્વયંસેવકો દ્વારા શારીરિક કાર્યક્રમ તથા ઘોષનુ નિદર્શન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને આગળ ધપાવતા કાલાવડ તાલુકા કાર્યવાહ સુરજભાઈ બિંદ દ્વારા સાંઈરામભાઈ દવેનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. અતિથિ વિશેષ પોતાના ઉદબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયાના મૂલ્યો તથા પ્રતિબદ્ધતા અને વરસતા વરસાદમાં પણ સ્વયંસેવકોની અડગ દ્રઢ શક્તિને બિરદાવી હતી, તેઓ એ હળવા શબ્દો માં કહ્યું કે 'આજ વરસાદ થાકી ગયો પણ સ્વયંસેવકો ન થાક્યા'.
ત્યારબાદ તેઓ એ ભારતીય સંસ્કૃતિ અને સામાજિક સમરસતા વિશે વિચારો રજૂ કર્યા હતા, તેઓએ ભારતીય સંયુક્ત કુટુંબની પરિવાર ભાવના વિશે વિસ્તૃત માહિતી આપી તેમજ વિશેષમાં જણાવ્યુ કે જેને 'સિંધુનું પાણી પીધું છે તે હિન્દુ છે, હિન્દુ એક જીવન જીવવાની શૈલી છે, જે જાળવી રાખવાની જવાબદારી આપણા સહુની છે'. ત્યારબાદ સ્વામી વિવેકાનંદની કાવ્ય પંક્તિ હમ ને ઉસુલ પાલે હે, તભી તો પૈર મેં છાલે હે કહીને પોતાના શબ્દો ને વિરામ આપ્યો હતો.
ઉત્સવની પૂર્ણાહુતિ બાદ સહુ ગણવેશધારી સ્વયંસેવકોનુ વરસતા વરસાદમાં પથસંચલન યોજાયું હતું. વરસતા વરસાદમાં યોજાયેલા પથસંચલનને લોકો અને ઉપસ્થિત મહેમાનોએ નિહાળી સ્વયંસેવકોના શિસ્ત, અનુશાસન અને સંચલન જોઈ મંત્રમુગ્ધ થયા હતા.
સ્વયંસેવકોનું પથસંચલન કાલાવડ શહેરના મુખ્ય માર્ગો પર ચાલી વરસાદે ઘોષ સાથે નીકળતા અનેકો ગરબી મંડળો, સજ્જનો અને સંગઠનો દ્વારા સંચલન પર અને ખાસ પરમ પવિત્ર ભગવા ધ્વજ પર પુષ્પ વર્ષાઓ કરવામાં આવી હતી. સતત વરસાદ હોવા છતાં પણ સંઘના શતાબ્દી વર્ષ નિમિતેના પથસંચલન ને કાલાવડના માતાઓ બહેનોએ માર્ગો પર રંગોળીઓ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંચલન કાલાવડ નગરમાં ફરી પરત દિવયજ્યોત વિધાલય ખાતે પૂર્ણ થયેલ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt