- કરજણમાં તાલુકાની સખી મંડળનીબહેનોને પ્લાસ્ટિક વેસ્ટ વિભાજન અને હેલ્થ સેનેટરી વિશે માર્ગદર્શન અપાયું
વડોદરા, 6 ઓકટોબર (હિ.સ.) : વડોદરા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કરજણ સહિત આઠ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી, શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા અને શાળાઓમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
તાલુકાવાર વાત કરીએ તો, કરજણના સાયર, વાઘોડિયાના નવાગામ અને ખંધા; પાદરાના ગોરીયાદ; શિનોર નગર અને આનંદી, સાવલીના પોઇચા, ડભોઇના ચનવાડા અને ડેસરના તુલસીગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા.
આ ગામોની શાળાઓમાં સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તમામ શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.વધુમાં, કરજણ તાલુકામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત તાલુકા કક્ષાએ અન્ય એક અગત્યનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સખી મંડળની બહેનોને પ્લાસ્ટિક વેસ્ટ તેમજ અલગ-અલગ કચરાના યોગ્ય વિભાજન વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. આ સાથે જ, તેમને હેલ્થ સેનેટરી વિશે પણ માર્ગદર્શન આપીને જાગૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા જાગૃતિ માટેના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો, બાળકો અને આબાલવૃદ્ધો સહિત સૌ જોડાઈને અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ