અમદાવાદ, 6 ઓક્ટોબર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નાગરિક પ્રથમ અભિગમ સાથે શરૂ થયેલ ગુજરાત રાજ્યે વિકાસની અવિરત યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરવા અને 'વિકસિત ગુજરાત' ના લક્ષ્યને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે દર વર્ષે ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હોવાથી વિકાસ સપ્તાહ ૨૦૨૫ દરમિયાન ૧૨ અને ૧૩ ઓક્ટોબરના દિવસોને થીમેટીક દિવસો તરીકે વિશેષ રીતે ઉજવવામાં આવનાર છે.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ પ્રથમ દિવસે, અમદાવાદ શહેરને સૌથી સુંદર બનાવવાના હેતુથી યુવા વર્ગની સક્રિય સહભાગિતા સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહત્વના સ્થળોનું સુશોભન અને ભીંત ચિત્રો (વોલ મ્યુરલ્સ) બનાવવાનો કાર્યક્રમ મુખ્ય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના ૦૭ ઝોનમાં કુલ ૭૫ જેટલાં મહત્વના લોકેશનો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં નાગરિકો અને શૈક્ષણિક સંસ્થાઓનાં વિદ્યાર્થીઓને જોડીને કલાત્મક વોલ મ્યુરલ્સ પેઇન્ટિંગ કરાવવામાં આવશે.
આ સાથે એ.મ્યુ.કો.ના બ્રીજ પ્રોજેક્ટ ખાતા દ્વારા પણ શહેરની હદ વિસ્તારમાં આવેલા જુદા જુદા બ્રીજોની શોભા વધારવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ, પકવાન અને ઇસ્કોન જંકશન પરના બ્રીજના ક્રેશ બેરીયર પર ડિજિટલ પેઇન્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અભિયાન દ્વારા શહેરની દીવાલોને કલાત્મક રીતે પેઇન્ટિંગ કરીને અમદાવાદને વધુ સુંદર અને આકર્ષક બનાવવાની પહેલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરને કલાત્મક રીતે વધુ સુંદર બનાવવાની આ પહેલને આવકારવા અને વિકાસ સપ્તાહની વિશેષ ઉજવણીમાં સહભાગી થવા માટે શહેરના તમામ યુવા વર્ગ, શૈક્ષણિક સંસ્થાઓનાં બાળકો અને જાગૃત નાગરિકોને મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ