- સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અને આંગણવાડી કાર્યકરોની અથાક મહેનતથી વાંકાનેરની મેઘનાને કુપોષણમાંથી મુક્તિ મળી
વડોદરા, 6 ઓકટોબર (હિ.સ.) : વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામની એક વર્ષ ચાર મહિનાની મેઘના દિપકભાઈ ચૌહાણ ઓછા વજનવાળી હતી અને કુપોષણથી પીડાઈ રહી હતી. માત્ર 8.2 કિલો વજન ધરાવતી આ બાળકીનું ભવિષ્ય ચિંતાજનક હતું. તેની માતા ભાવનાબેન ચૌહાણના ચહેરા પર તણાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. પરંતુ ગામની આંગણવાડી કાર્યકરોના સતત પ્રયાસોથી આજે મેઘના 12.7 કિલો વજન સાથે સ્વાસ્થ્યવર્ધક બાળપણ જીવી રહી છે.
વાંકાનેર 4 ના આંગણવાડી કાર્યકરો મેઘનાના સ્વાસ્થ્યનું નિયમિત નિરીક્ષણ કરી રહ્યા હતા. શરૂઆતમાં કોઈ મોટો ફેરફાર ન દેખાતા તેમણે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત બાળકીને તાત્કાલિક સ્ક્રીનિંગ કરાવી. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ટીમે મદદ કરી અને મેઘનાને સાવલી CMTC (બાળ કુપોષણ સારવાર કેન્દ્ર) માં 14 દિવસ માટે દાખલ કરવામાં આવી. ત્યાં તેને નિયમિત પૌષ્ટિક ખોરાક, દવાઓ અને સતત કાળજી મળી. માત્ર બે અઠવાડિયામાં તેનું વજન 700 ગ્રામ વધ્યું.
CMTC પછી 12 અઠવાડિયાના સઘન પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કાર્યકરો દરરોજ મેઘનાના ઘરે જઈ ટેક હોમ રાશનનો યોગ્ય ઉપયોગ, પૂરક ખોરાક, સ્તનપાનનું મહત્વ અને સ્વચ્છ આહાર વિશે માતાને માર્ગદર્શન આપતા રહ્યા. મુખ્ય સેવિકા નમ્રતા વડોડિયા અને CDPO ઉપાસના પટેલે સતત ફોલો-અપ રાખીને બાળક અને પરિવારને પ્રોત્સાહન પૂરું પાડ્યું. બાલ શક્તિ પેકેટના નિયમિત ઉપયોગથી પણ મેઘનાના આરોગ્યમાં સુધારો આવ્યો.
અઠવાડિયા પછી મેઘનાના ગાલ પર રંગ પાછા ફર્યા, આંખોમાં ચમક આવી અને તે કુપોષણમાંથી સંપૂર્ણ બહાર આવી ગઈ. હવે તે સામાન્ય સ્વાસ્થ્ય શ્રેણીમાં આવીને રમતા રમતા બાળપણ જીવી રહી છે. 12 અઠવાડિયાના અંતે તેનું વજન 12.7 કિલોગ્રામ થયું.
મેઘનાની વાર્તા આંગણવાડી કાર્યકરોના સમર્પણ અને પોષણ સંગમ જેવા કાર્યક્રમોની સફળતાનો એક શક્તિશાળી પુરાવો છે. સરકારના પોષણ કાર્યક્રમો સાથે આંગણવાડી કાર્યકરોની અથાક મહેનત જોડાય તો બાળજીવન બચાવી શકાય છે. બાળકોમાં તીવ્ર કુપોષણ સામેની લડાઈમાં આંગણવાડી કાર્યકરોનું યોગદાન અનિવાર્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ