કલકતા, નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ, સોમવારે રાત્રે વડાપ્રધાન મોદીના નિવેદનની આકરી ટીકા કરી હતી, જેમાં તેમણે જલપાઇગુડી જિલ્લાના નાગરકાટામાં ભાજપના સાંસદ ખગેન મુર્મુ અને ધારાસભ્ય શંકર ઘોષ પર થયેલા હુમલા માટે રાજ્ય સરકાર અને તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી.
સોમવારે મધ્યરાત્રિ પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરાયેલા એક નિવેદનમાં મમતા બેનર્જીએ કહ્યું કે, વડાપ્રધાને કોઈ તપાસ કે, તથ્યોની રાહ જોયા વિના ઉત્તર બંગાળમાં કુદરતી આફતોને રાજકારણ સાથે જોડી છે. તેમણે લખ્યું, તે દુર્ભાગ્યપૂર્ણ અને ઊંડી ચિંતાનો વિષય છે કે, ભારતના વડાપ્રધાને યોગ્ય તપાસ પહેલાં કુદરતી આફતનું રાજકારણ કર્યું છે. જ્યારે ઉત્તર બંગાળના લોકો પૂર અને ભૂસ્ખલનની ભયાનકતાનો સામનો કરી રહ્યા છે ત્યારે રાજકારણમાં જોડાવું અત્યંત અસંવેદનશીલ છે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, ભાજપના નેતાઓએ સ્થાનિક વહીવટીતંત્રને જાણ કર્યા વિના, કેન્દ્રીય દળો સાથે મોટા કાફલા સાથે અકસ્માત સ્થળની મુલાકાત લીધી, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો.
મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસ અને રાજ્ય સરકાર પર વડાપ્રધાનના સીધા આરોપનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાને કોઈપણ ચકાસણીયોગ્ય પુરાવા, કાનૂની તપાસ અથવા વહીવટી અહેવાલની રાહ જોયા વિના આરોપો લગાવ્યા. લોકશાહીમાં, કાયદાને તેનું કામ કરવા દેવો જોઈએ; દોષ નક્કી કરવાનો અધિકાર ફક્ત ન્યાયિક પ્રક્રિયાને છે, કોઈ રાજકીય ટિપ્પણીને નહીં.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / ગંગા / સંતોષ મધુપ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ