નવી દિલ્હી, ૭ ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓમાં ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આનાથી ભારતીય રેલ્વે નેટવર્કમાં 894 કિલોમીટરનો ઉમેરો થશે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે ₹ 24,634 કરોડ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ, આજે રેલ્વે મંત્રાલય માટે ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ્સ છે: વર્ધા-ભુસાવલ - ત્રીજી અને ચોથી લાઇન - 314 કિલોમીટર (મહારાષ્ટ્ર); ગોંદિયા-ડોંગરગઢ - ચોથી લાઇન - 84 કિલોમીટર (મહારાષ્ટ્ર અને છત્તીસગઢ); વડોદરા-રતલામ - ત્રીજી અને ચોથી લાઇન - 259 કિલોમીટર (ગુજરાત અને મધ્યપ્રદેશ); ઇટારસી-ભોપાલ-બીના - ચોથી લાઇન - 237 કિલોમીટર (મધ્યપ્રદેશ).
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે, આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે કેબિનેટના નિર્ણય અંગે પત્રકારોને માહિતી આપી. તેમણે જણાવ્યું કે, મંજૂર થયેલ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ આશરે 85.84 લાખની વસ્તી ધરાવતા આશરે 3,633 ગામડાઓ અને બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ (વિદિશા અને રાજનંદગાંવ) ને કનેક્ટિવિટી વધારશે.
તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્સ પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમનો ઉદ્દેશ્ય સંકલિત આયોજન અને હિસ્સેદારોના પરામર્શ દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવાનો છે. આ પ્રોજેક્ટ્સ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.
પ્રોજેક્ટ વિભાગ સાંચી, સતપુરા ટાઇગર રિઝર્વ, ભીમબેટકા રોક શેલ્ટર્સ, હજારા ધોધ, નવેગાંવ નેશનલ પાર્ક વગેરે જેવા મુખ્ય સ્થળોને રેલ કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે. આ દેશભરના પ્રવાસીઓને આકર્ષિત કરશે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે, કોલસો, કન્ટેનર, સિમેન્ટ, ફ્લાય એશ, ખાદ્યાન્ન, સ્ટીલ વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ એક આવશ્યક માર્ગ છે. ક્ષમતા વધારવાના કાર્યોથી 78 એમટીપીએ (વાર્ષિક મિલિયન ટન) નો વધારાનો માલ પરિવહન થશે.
રેલવે, પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા-કાર્યક્ષમ પરિવહન માધ્યમ હોવાથી, આબોહવા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે, તેલની આયાત (28 કરોડ લિટર) અને સીઓ2 ઉત્સર્જન (139 કરોડ કિલોગ્રામ) ઘટાડશે. આ 6 કરોડ વૃક્ષો વાવવા બરાબર છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ