નવી દિલ્હી, ૦9 ઓક્ટોબર (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની, ગાઝા
શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર થયેલા કરારનું સ્વાગત કરતા કહ્યું કે,” તે
ક્ષેત્રમાં કાયમી શાંતિનો માર્ગ મોકળો કરે છે. આ કરાર ઇઝરાયલ અને હમાસ વચ્ચે, બે
વર્ષના સંઘર્ષ પછી આવ્યો છે.”
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર
કરેલી એક પોસ્ટમાં કહ્યું,
અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર થયેલા કરારનું સ્વાગત
કરીએ છીએ. તે વડાપ્રધાન નેતન્યાહૂના, મજબૂત નેતૃત્વનું પણ પ્રતીક છે. અમને આશા છે
કે, બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને માનવતાવાદી સહાયમાં વધારો તેમને રાહત આપશે
અને કાયમી શાંતિનો માર્ગ મોકળો કરશે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટર પર ગાઝા શાંતિ
કરારના પ્રથમ તબક્કાની જાહેરાત કરતા લખ્યું, મને ખૂબ ગર્વ છે કે, ઇઝરાયલ અને હમાસ બંનેએ
અમારી શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કર્યા છે.
તેમણે કહ્યું કે,”આનો અર્થ એ છે કે, બધા બંધકોને ખૂબ જ ટૂંક
સમયમાં મુક્ત કરવામાં આવશે અને ઇઝરાયલ તેના સૈનિકોને, એક સંમત લાઇન પર પાછા ખેંચશે, જે મજબૂત, ટકાઉ અને સ્થાયી
શાંતિ તરફ પહેલું પગલું ભરશે. બધા પક્ષો સાથે ન્યાયી વર્તન કરવામાં આવશે. આ અરબ
અને મુસ્લિમ વિશ્વ, ઇઝરાયલ, આસપાસના બધા દેશો
અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે એક મહાન દિવસ છે, અને અમે કતર, ઇજિપ્ત અને તુર્કીના મધ્યસ્થીઓનો આભાર માનીએ છીએ, જેમણે આ
ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઘટનાને શક્ય બનાવવા માટે અમારી સાથે કામ કર્યું.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ