
ભાવનગર,1 નવેમ્બર (હિ.સ.) “ભારતના લૌહ પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના અવસર પર, 31 ઓક્ટોબર, 2025ના રોજ પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. આ અવસર પર મંડળ કચેરી પરિસરમાં પ્રતિજ્ઞા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા હતા. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક વર્મા દ્વારા હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાની પ્રતિજ્ઞા અપાવવામાં આવી હતી. સમારોહમાં અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્માની ગૌરવસભર હાજરી રહી હતી.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમનો હેતુ કર્મચારીઓમાં દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવી તથા રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના મજબૂત કરવી છે.
આ કાર્યક્રમનું સફળ આયોજન વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગનના માર્ગદર્શન અને દિશાનિર્દેશ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌએ એક સ્વરમાં દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવાનો સંકલ્પ પુનરાવર્તિત કર્યો હતો.અંતમાં હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અમૂલ્ય યોગદાનને નમન કર્યું અને તેમના આદર્શો તથા વિચારોના માર્ગે ચાલવાનો સંકલ્પ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ