
પાટણ, 1 નવેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લામાં ભાજપ કાર્યાલય દ્વારા સરકારી વાહન (જિલ્લા પંચાયતની ગાડી)નો ઉપયોગ રાજકીય મટીરીયલ લેવા માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. આ મામલે રાજકીય ગરમાવો ઊભા થયા અને શહેર કોંગ્રેસના કાર્યકરો હર્ષદ વર્મા, હરગોવન મકવાણા, મનીષ ઠક્કર અને શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે વાહન રોકી તપાસ કરી.
ગાડીમાં હાજર વ્યક્તિએ જણાવ્યું કે, આ સામાન અમે સમી ખાતે લઈ જઈએ છીએ, પરંતુ કોંગ્રેસે સરકારી વાહનનો રાજકીય ઉપયોગ કરવાનો સત્તાનો દુરુપયોગ હોવાનું આક્ષેપ કર્યો. દીપક પટેલે કહ્યું કે આ નીતિમત્તા વિરુદ્ધ છે અને લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. કોંગ્રેસે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
જિલ્લા પંચાયત પ્રમુખના પિતા બાબુજીએ સ્પષ્ટતા કરી કે ગાડીમાં માત્ર ટીબી દર્દીઓ માટેની પોષણયુક્ત કીટ અને પ્રસાદ હતા, જે સમીના નાયકા ગામે લઈ જવામાં આવી રહ્યા હતા. કોંગ્રેસના વિરોધ બાદ સામાન પાછું મૂકી દેવામાં આવ્યું અને હવે તેને ખાનગી વાહનમાં લઈ જવાશે. તેમણે ભાજપનું મટીરીયલ ન હોવાનું દાવો કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ