


ગાંધીનગર, 1 નવેમ્બર (હિ.સ.) ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ના અમલને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા હાથ ધરાયેલી મહત્વપૂર્ણ પહેલ ‘NEP-સારથિ’ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE) ખૂબ જ સક્રિય રીતે કાર્યરત છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં NEP-2020 અંગે જાગૃતિ ફેલાવવાનો અને નીતિના તત્ત્વોને શૈક્ષણિક જીવનમાં ઉતારવાનો છે. આ અંતર્ગત IITEએ ત્રણ (૩) વિદ્યાર્થી એમ્બેસેડર તરીકે NEP સારથિઓની નિમણૂક કરી છે.
IITE દ્વારા UGCની NEP-2020 પહેલ અંતર્ગત અનેક શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેમ કે — NEP-2020 આધારિત ક્વિઝ સ્પર્ધા, NEP-2020 સંબંધિત વિશેષ વ્યાખ્યાનો, નિબંધ સ્પર્ધા, NEP-2020ના પ્રારંભને ચિહ્નિત કરતી જાગૃતિ રેલી, તેમજ વિવિધ વિષય ક્ષેત્રોને અનુરૂપ ભારતીય જ્ઞાન પ્રણાલી (Indian Knowledge System – IKS) આધારિત પેનલ ચર્ચાઓ. ઉપરાંત, NEP-2020 અંતર્ગત હાથ ધરાયેલી વિવિધ પહેલો પર વાદ-વિવાદ, સમૂહ ચર્ચા અને એક્સ્ટેમ્પોર, પોસ્ટર સ્પર્ધા, તથા NEP અંગે જાગૃતિ લાવવા માટે નુક્કડ નાટક (Street Play)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
નુક્કડ નાટક દ્વારા સંસ્થાની અંદર જ નહીં, પરંતુ સામાજિક સ્તરે પણ NEP-2020 અંગે જાગૃતિ ફેલાવવાના સક્રિય પગલાં લેવામાં આવ્યા, જેના માધ્યમથી નીતિનો સંદેશ સમાજના વિવિધ વર્ગો સુધી અસરકારક રીતે પહોંચ્યો.
આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા IITEએ NEP-2020ની ભાવનાને શિક્ષણક્ષેત્રે જીવંત બનાવી છે, જેમાં વિદ્યાર્થીઓ માત્ર સહભાગી નહીં પરંતુ નીતિ અમલીકરણના સક્રિય સહયોગી તરીકે ઉભર્યા છે. આ પહેલો IITEના “શિક્ષક બને, દેશ બનાવે” જેવા ધ્યેયને વધુ પ્રેરણાદાયી બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ