
અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વન્યજીવના આંટાફેરાથી લોકલાઈફમાં ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સિંહ અને દીપડા બંને રાજુલા પંથકના વિવિધ વિસ્તારોમાં દેખા આપી રહ્યા છે. શહેરના છતડીયા માર્ગ પર દીપડાની હાજરીનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જે હાલ સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજુલાના સૂર્યા બંગલા વિસ્તારમાં દીપડો રાત્રિના સમયે દેખાયો હતો. સીસીટીવીમાં તે એક મકાનની બાજુથી શાંતિથી પસાર થતો દેખાઈ રહ્યો છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિક રહેવાસીઓમાં ભય અને રોમાંચનું મિશ્રણ જોવા મળ્યું છે. ચાર દિવસ પહેલા પણ દીપડાની લટારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેના કારણે તંત્ર સતર્ક બન્યું છે.
બીજી તરફ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં બે સિંહો બિન્દાસ રીતે ફરતા જોવા મળ્યા છે. ટ્રાફિક અને ઉદ્યોગ પ્રવૃત્તિથી ધમધમતા પોર્ટ વિસ્તારમાં સિંહોની આ લટારને જોઈ લોકો ચકિત રહી ગયા હતા. સ્થળ પર હાજર કેટલાક લોકોએ તેમના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા, જે બાદ વિડીયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે.
વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વન્યજીવો પોતાના કુદરતી નિવાસસ્થાનમાંથી ખોરાક અને પાણીની શોધમાં ક્યારેક વસાહતી વિસ્તારો તરફ આવી જાય છે. હાલ વન વિભાગની ટીમો રાજુલા અને પીપાવાવ વિસ્તારના રાઉન્ડ લગાવી રહી છે તથા જનતાને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
સિંહ અને દીપડાની આ સતત દેખા બાદ રાજુલા પંથકમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકો આ દ્રશ્યોને ગુજરાતની ગૌરવરૂપ ગીરની સમૃદ્ધ વન્યજીવ વારસાની નિશાની ગણાવી રહ્યા છે, તો કેટલાકે તંત્રને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai