
પાટણ, 1 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરમાં મંગળવારે નર્મદા કેનાલના ખોરસમ પંપિંગ સ્ટેશનમાં વાલ્વ તૂટી જતા સિદ્ધિ સરોવરમાં આવતું પાણી બંધ થઈ ગયું. આ કારણે નગરપાલિકાએ પાણી વિતરણ રોકી દીધું અને છેલ્લા બે દિવસથી શહેરમાં પાણીની તંગી સર્જાઈ હતી. ગુરુવારે વરસાદ અને વીજળીના અભાવે વાલ્વ રિપેર ન થઈ શકવાથી શુક્રવારે પણ પાણીનો કાપ રહ્યો. શુક્રવારે વરસાદ વિરામ મળતાં પાલિકાની ટીમો અને વોટર વર્કર શાખાની ટીમો વાલ્વ રિપેર માટે સ્થળ પર પહોંચી હતી. સાંજે છ વાગ્યે રિપેરિંગ કાર્ય પૂર્ણ થયું. પાઈપ લાઈન રિપેર થયા બાદ રાત્રે પાણીનો પુરવઠો શરૂ થશે, અને સિદ્ધિ સરોવરમાં પાણી ભરણમાં બપોર સુધી સમય લાગશે.
વોટરવર્ક શાખાના સિનિયર ક્લાર્ક ભરતભાઈ મોદીએ જણાવ્યું કે સાંજે 5 વાગ્યે પાણીનો સપ્લાય શરૂ થયો છે. રાત્રે બે વાગ્યે સિદ્ધિ સરોવરમાં પાણીમાં ઠલવાશે અને શનિવારે સવારે 11 વાગ્યા સુધી જથ્થો એકત્ર થયા બાદ ફિલ્ટર પ્લાન શરૂ થશે. બપોરે બે વાગ્યા પછી શહેરમાં એક ટાઇમ પાણી વિતરણ થશે અને રવિવારથી નિયમિત બે ટાઇમ વિતરણ શરૂ થશે, દરેક વિસ્તારમાં 30 મિનિટ માટે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ