બાબરા બસ સ્ટેન્ડ પાસે એસટી બસમાં અચાનક ધુમાડા, મુસાફરોમાં દોડધામ — સદનસીબે કોઈ જાનહાનિ નહીં
અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ઢળતી સંધ્યાએ એક અચાનક ઘટનાએ દહેશત ફેલાવી દીધી હતી. રાજકોટથી બાબરા આવી રહેલી રાજ્ય પરિવહનની એસટી બસ સ્ટેન્ડમાં પ્રવેશી રહી હતી ત્યારે બસના એન્જિન ભાગમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા
બાબરા એસટી બસ સ્ટેન્ડ પાસે એસટી બસમાં અચાનક ધુમાડા, મુસાફરોમાં દોડધામ — સદનસીબે કોઈ જાનહાનિ નહીં


અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ઢળતી સંધ્યાએ એક અચાનક ઘટનાએ દહેશત ફેલાવી દીધી હતી. રાજકોટથી બાબરા આવી રહેલી રાજ્ય પરિવહનની એસટી બસ સ્ટેન્ડમાં પ્રવેશી રહી હતી ત્યારે બસના એન્જિન ભાગમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. બસમાંથી ધુમાડો નીકળતા જ મુસાફરોના જીવ તળાવે ચોંટ્યા હતા અને સૌએ તાત્કાલિક બસમાંથી કૂદીને બહાર દોડધામ મચાવી દીધી હતી.

સ્થળ પર હાજર લોકોએ તરત જ તંત્રને જાણ કરી અને બસ ચાલકે બુદ્ધિપૂર્વક બસને એક બાજુ રોકી દીધી હતી. થોડા સમય બાદ બસના એન્જિનમાંથી નીકળતા ધુમાડા ધીમા પડી ગયા હતા. સદનસીબે બસમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી તથા કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

પ્રાથમિક માહિતી અનુસાર એન્જિનના ભાગમાં ટેકનિકલ ખામી અથવા વાયરિંગની તકલીફને કારણે ધુમાડા નીકળ્યા હોવાનું મનાય છે. એસટી વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે અને બસને ડેપોમાં ખસેડવામાં આવી છે. મુસાફરોને અન્ય બસ દ્વારા તેમની મુસાફરી ચાલુ રાખવા માટે વ્યવસ્થા કરાઈ હતી.

સ્થાનિક લોકોએ ચાલકની સતર્કતા અને સમયસરની કાર્યવાહીથી મોટો અકસ્માત ટળ્યો હોવાનું જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande