
પાટણ, 1 નવેમ્બર (હિ.સ.) : ભારત સરકારના યુવા અને રમતગમત વિભાગ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS), અમદાવાદ વિભાગ હેઠળ પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે વેસ્ટ ઝોન NSS પ્રિ-રિપબ્લિક પરેડ કેમ્પ 31 ઓક્ટોબરથી 9 નવેમ્બર, 2025 સુધી યોજાઈ રહ્યો છે. આ શિબિરમાં 11 રાજ્યોમાંથી 210 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે અને ‘મિનિ ભારતના દર્શન’ કાર્યક્રમ દ્વારા લોકોમાં એકતાનો સંદેશ આપવામાં આવ્યો.
ઉદ્ઘાટન સમારંભ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયો, જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સૂકાંતાકુમાર સેનાપતિ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફ. કિશોરચંદ્ર પોરીયા અને NSSના પ્રાદેશિક નિયામક ડૉ. કમલકુમાર કર ઉપસ્થિત રહ્યા. દીપ પ્રગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ પશ્ચિમ ઝોન પરેડ કેમ્પમાં 200 સ્વયંસેવકો અને 10 પ્રોગ્રામ ઓફિસર ભાગ લઈ રહ્યા છે. 40 સ્વયંસેવકોની પસંદગી કરીને તેઓ 26 જાન્યુઆરી, 2026ના રોજ દિલ્હીમાં યોજાનાર રિપબ્લિક દિવસની પરેડમાં ભાગ લેશે. શિબિરમાં યુવાનોને યોગ, આપત્તિ વ્યવસ્થાપન, કોમ્યુનિકેશન સ્કિલ્સ, વકૃત્વ, ગ્રુપ ડિસ્કશન, સાંસ્કૃતિક વિરાસત અને ભારતના ભવ્ય વારસાનું માર્ગદર્શન આપવામાં આવશે.
સમાપન સમારંભમાં મહાનુભાવો સાથે પ્રોગ્રામ ઓફિસરો ઉપસ્થિત રહ્યા. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સૂકાંતાકુમાર સેનાપતિ અને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી. પોરીયાએ યુવાનોમાં રાષ્ટ્રીય સેવા ભાવના વિકસાવવા અને ભારતની સંસ્કૃતિ, વારસા અને મૂલ્યોને જાળવવા પ્રેરણા આપી. પ્રો. પોરીયાએ NSS સાથે પોતાની જોડાણની અનુભવ વાર્તા શેર કરીને યુવાનોને ગ્રામીણ વિસ્તારોમાં સેવા કરવા માટે પ્રોત્સાહિત કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ