
અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં સતત વરસતા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલી વધારી દીધી છે. નાના લીલિયા ગામમાં અવિરત વરસાદને કારણે એક કાચું મકાન ધરાશાઈ થવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ શાંતાબેન સોમાભાઈ બળોલીયાનું મકાન અચાનક ધરાશાઈ થઈ ગયું હતું. વરસાદી માહોલ અને ભીની દિવાલોને કારણે મકાનનું છાપરું અને દિવાલો તૂટી પડ્યા હતા.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાન ધરાશાઈ થતા ગામના સરપંચ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિની માહિતી મેળવી. સરપંચે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ)ને ઘટના અંગે જાણ કરી અને વહીવટી સહાયની માંગણી કરી છે.
ગામલોકોના જણાવ્યા મુજબ શાંતાબેન આર્થિક રીતે નબળી સ્થિતિમાં છે અને મકાન ધરાશાઈ થતાં તેમને ભારે નુકસાન થયું છે. ઘરમાં રહેલી કેટલીક સામગ્રી પણ વરસાદી પાણીમાં બગડી ગઈ છે.
સ્થાનિક તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે અને સહાય માટેનો અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સતત વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આવી ઘટનાઓની શક્યતા વધતા તંત્રને વધુ સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai