
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ): કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે, સોમવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે આગામી કેન્દ્રીય બજેટ 2026-27 અંગે પ્રથમ પૂર્વ-બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી. બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થવાનું છે. જોકે, તેની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
એક્સ-પોસ્ટ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આર્થિક બાબતોના વિભાગ (ડીઈએ) ના સચિવ અને ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ) ડૉ. વી. અનંત નાગેશ્વરન તેમજ વરિષ્ઠ ડીઈએ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બજેટ-નિર્માણ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે સરકારને કેન્દ્રીય બજેટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા વિવિધ ક્ષેત્રોના હિસ્સેદારો પાસેથી વિવિધ દ્રષ્ટિકોણ મેળવવાની તક પૂરી પાડે છે.
નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણનું સતત નવમું બજેટ હશે. નાણા મંત્રાલયની નવીનતમ માસિક આર્થિક સમીક્ષા અનુસાર, ઓગસ્ટમાં અમેરિકા દ્વારા ભારત પર ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર) માં ઝડપથી વિકાસ પામ્યું.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ