
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના ચારૂપ ખાતે ‘10મી સબ જુનિયર નેશનલ ડોજબોલ ચેમ્પિયનશિપ 2025-26’નો ભવ્ય પ્રારંભ થયો. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ડોજબોલ એસોસિએશન પાટણ જિલ્લાના નેતૃત્વ હેઠળ આયોજિત આ ચેમ્પિયનશિપમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 40 ટીમોએ ભાગ લીધો છે.
ભારતમાં ડોજબોલ રમતને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય મંચ પૂરો પાડવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 40 ટીમોની હાજરી સ્પર્ધાની ભવ્યતા અને રમત પ્રત્યે વધતા રાષ્ટ્રીય રસને સ્પષ્ટ કરે છે. યુવા ખેલાડીઓનો ઉત્સાહ, શિસ્ત અને પ્રતિબદ્ધતા ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મેદાનમાં જોવા મળી હતી.
આવનારા સમયમાં આવા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો માત્ર ગુજરાતનું ગૌરવ વધારશે નહીં, પરંતુ યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચે આગળ વધવા પ્રેરણા આપશે. આ પ્રસંગે બી.સી. સોલંકી, વી.સી. બોડાણા, સરગરાજી, બલદેવભાઈ દેસાઈ, દિલીપસિંહ રાજપૂત, ગિરીશભાઈ મોદી, રમેશભાઈ દેસાઈ, શૈલેષભાઈ પટેલ, પ્રહલાદજી ઠાકોર, ડૉ. કેતનભાઈ, ટીમના કોચ સહિત અનેક મહાનુભાવો, ખેલાડીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ