
નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.) 16મા નાણા પંચના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢિયાના
નેતૃત્વમાં સભ્યોએ, સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને 2૦26-31ના
સમયગાળા માટે તેમની ભલામણો ધરાવતો આયોગનો અહેવાલ ઔપચારિક રીતે રજૂ કર્યો.
રાષ્ટ્રપતિ ભવનમાં મળેલી બેઠક દરમિયાન, આયોગે
રાષ્ટ્રપતિને તેની મુખ્ય ભલામણો અને વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ વિશે માહિતી આપી. આ
અહેવાલ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે, તે આગામી પાંચ વર્ષ માટે કેન્દ્ર અને
રાજ્યો વચ્ચે કર આવક, અનુદાન અને
નાણાકીય માળખાની વહેંચણી માટે માર્ગદર્શિકા નક્કી કરશે. તેના આધારે, નાણાકીય વર્ષ 2૦3૦-31
સુધી રાજ્યોનો હિસ્સો અને નાણાકીય સંસાધનોનું પુનઃવિતરણ પ્રભાવિત થશે.
રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ એક્સપર આ બેઠક વિશે
માહિતી શેર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે,” 16મા નાણા પંચના
અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢિયા અને તેમના સાથીઓએ રાષ્ટ્રપતિને મળ્યા હતા અને તેમનો
અહેવાલ રજૂ કર્યો હતો.”
ઉલ્લેખનીય છે કે, નાણા પંચની રચના બંધારણની કલમ 280 હેઠળ કરવામાં
આવી છે. તેની પ્રાથમિક જવાબદારી કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે નાણાકીય સંસાધનોના
સમાન વિતરણની ભલામણ કરવાની છે. 16મા નાણા પંચનો અહેવાલ હવે કેન્દ્ર સરકારને સમીક્ષા માટે
મોકલવામાં આવશે, ત્યારબાદ અમલીકરણ
પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ