સરદાર@૧૫૦ યુનિટી માર્ચ પ્રથમ તબક્કાની પદયાત્રાનું સોમનાથ ખાતે ભવ્ય સમાપન
સોમનાથના પુન:નિર્માણમાં સરદારના અભૂતપૂર્વ યોગદાનનું ભાવસ્મરણ કરતા પૂર્વ મંત્રી આર.સી.ફળદુ ગીર સોમનાથ, 17 નવેમ્બર (હિ.સ.) : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી અવસરે બપોર બાદ સવનીથી શરૂ થયેલી ઈશ્વરિયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, બ
પદયાત્રાનું સોમનાથ ખાતે ભવ્ય સમાપન


સોમનાથના પુન:નિર્માણમાં સરદારના અભૂતપૂર્વ યોગદાનનું ભાવસ્મરણ કરતા પૂર્વ મંત્રી આર.સી.ફળદુ

ગીર સોમનાથ, 17 નવેમ્બર (હિ.સ.) : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી અવસરે બપોર બાદ સવનીથી શરૂ થયેલી ઈશ્વરિયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, બાદલપરા, કાજલીમાંથી પસાર થયેલી પ્રથમ તબક્કાની પદયાત્રાનું ઢળતી સંધ્યાના અવસરે સોમનાથ ખાતે ભવ્ય સમાપન થયું હતું.

આશરે ૧૫૦ જેટલા પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને 'ભારત માતા કી જય' ના રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે સવની થી સોમનાથ ખાતેની પદયાત્રા સંપન્ન કરી હતી.

સોમનાથની પુનઃપ્રતિષ્ઠાને યાદ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન સોમનાથના પવિત્ર પ્રાંગણમાં સરદારના જીવનના ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારની પ્રેરણા લઈને પદયાત્રા સંપન્ન થઈ છે. આજે આપણે જે સોમનાથના સાન્નિધ્યે એકઠા થયા છે. એના પુન:નિર્માણના સંકલ્પમાં સરદારની અડગ અને દ્રઢ ઈચ્છાશક્તિ છે. જૂનાગઢને આઝાદી મળી અને પછી જ્યારે સરદાર સોમનાથ આવ્યા ત્યારે મંદિરની ભગ્ન અવસ્થા જોઈને સરદારના પ્રયત્નોને પરિણામે જ આજે આ સોમનાથની ભવ્યતાને વેગ મળ્યો છે.

સમગ્ર દેશના દેશવાસીઓના હ્રદયમાં લોખંડી પુરૂષનું સ્થાન યથાવત છે. જેની ૧૫૦મી જન્મજયંતી પર એકતાની વિભાવના સાકાર કરવા અને એકસૂત્રના તાંતણે બંધાઈને ભાતૃભાવથી જીવતો હોય અને શક્તિસામર્થ્ય થાય એવી સરદારની ઈચ્છાને સાકાર કરવી એ આ પદયાત્રાનો હેતુ છે.

સ્વતંત્રતા મેળવવા અનેક યુવાનોએ પણ પોતાના બલિદાન આપ્યા છે. એમના બલિદાન વ્યર્થ ન જાય અને વિશ્વમાં ભારતનું નામ ઊંચુ થાય એવી ભાવનાથી સરદારે સંગઠિત સમાજના નિર્માણ માટે સરદારે સંકલ્પ લીધો હતો. અંગ્રેજોના હાથમાંથી મુક્ત થયા પછી ભારતના બે ભાગલાં થયા. ત્યારે, સરદારની એક હાકલથી જ દેશના રજવાડાઓએ પોતાના રજવાડા ભારતમાતાના ચરણે ધરી દીધા હતાં. આ રજવાડાઓની એકતા જ દેશની પ્રગતિનો આધાર સ્તંભ બની હતી. એમ પૂર્વમંત્રીએ ઉમેર્યું હતું.

સરદારે સેવેલા સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા કલમ ૩૭૦ની નાબૂદી કરવી, સશક્ત રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓના યોગદાનને મજબૂત બનાવવા મહિલા ઉત્કર્ષની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવી સહિતના પગલાઓ અમલમાં મૂકવામાં આવ્યાં છે.

સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે જે ત્યાગ અને કાર્ય કર્યું છે તેને યાદ રાખીને દરેક નાગરિકે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે પોતાનો ફાળો આપવો જરૂરી છે એવી અપીલ પણ એમણે આ તકે કરી હતી.

પાડોશી દેશના મલીન ઈરાદાઓને નેસ્તનાબૂદ કરનાર સરદારના અડગ વલણને યાદ કરી મંત્રીએ દેશની રક્ષા અને સાર્વભૌમત્વની વાત આવે ત્યારે પોતાના સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરનાર સરદારના દ્રઢ નિશ્ચયનું સ્મરણ કર્યું હતું અને દેશની એકતા અને અખંડિતતા તેમજ રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવ્યું હતું.

જિલ્લાકક્ષાની પદયાત્રા પૂર્વે સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ જાગૃતિ શિબિર અને પદયાત્રાની પૂર્ણાહૂતી દરમિયાન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપની દ્વારા હસ્તકલા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર યોગ સ્ટોલ, ગોપી ગૌવિજ્ઞાન કેન્દ્રનો પ્રાકૃતિક સ્ટોલ સહિત વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

પદયાત્રાના પૂર્ણાહુતી કાર્યક્રમ સમયે ચિત્ર, નિબંધ સહિતની સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, અગ્રણી ડૉ.સંજય પરમાર, મહેન્દ્ર પીઠિયા, પ્રદ્યુમન ડોડિયા, વિક્રમ પટાટ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande