
- હનુમાન મંદિર, મોટા અંકેવાળીયા થી શરૂ થયેલી પદયાત્રાનું હનુમાનજી મંદિર, નારીચણા ખાતે
સુરેન્દ્રનગર,20 નવેમ્બર (હિ.સ.) સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના વર્ષ નિમિત્તે 'એકતા મંત્ર'ને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત, ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્તારમાં હનુમાન મંદિર, મોટા અંકેવાળીયાથી હનુમાનજી મંદિર, નારીચણા સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાએ 'હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી'ના સંદેશને મજબૂત બનાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
સાંસદ ચંદુ શિહોરાએ 'એકતા યાત્રા'ના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને એકતાનો સશક્ત સંદેશ આપ્યો છે, કારણ કે યુદ્ધોથી ક્યારેય કલ્યાણ થતું નથી. તેમણે આ 'એકતા યાત્રા'ના સંદેશને દરેક ગામ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, વીર ભગતસિંહ, અને ડૉ. શ્યામપ્રસાદ મુખર્જી જેવા મહાનાયકોના બલિદાનોને ક્યારેય ન ભૂલવા વિનંતી કરી હતી.
શિહોરાએ સરદાર સાહેબના નિઃસ્વાર્થ વ્યક્તિત્વનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે જો આપણે નિજી સ્વાર્થ માટે લડતા રહીશું, તો દેશને બચાવી શકીશું નહીં.
વધુમાં, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનની પ્રશંસા કરી હતી, જેના કારણે વિશ્વમાં મંદી હોવા છતાં દેશ આર્થિક અસરોથી દૂર રહ્યો. તેમણે
ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું કે, સરદાર સાહેબના બલિદાનોને યાદ કરીને, 2047 સુધીમાં ભારતને 'વિશ્વગુરુ' બનાવવાની વડાપ્રધાનની નેમ સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ થઈને આગળ વધવું જોઈએ.
ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સંબોધન કરતાં કહ્યું હતું કે, સરદાર સાહેબનું જીવન માત્ર ઇતિહાસ નથી, પરંતુ તે દેશના પ્રત્યેક નાગરિક, ખાસ કરીને યુવાનો માટે એક જીવંત પ્રેરણાસ્ત્રોત છે. તેમણે યુવાનોને માત્ર સરદાર સાહેબને યાદ કરવા પૂરતું નહીં, પરંતુ તેમના ત્યાગ, સમર્પણ અને રાષ્ટ્ર માટેના અખંડિત વિઝનને જીવનમાં ઉતારીને રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સક્રિય જોડાવા માટે આગળ આવવા જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરદાર સાહેબના આદર્શોને અનુસરીને જ ભારત 2047 સુધીમાં વિશ્વગુરુ બની શકશે. તેમણે સૌને સમાજમાં પ્રેમ, સદભાવના અને એકતાનો ભાવ જગાડીને વ્યસનમુક્તિ અને સામાજિક સમરસતાના સંકલ્પ સાથે આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું.
અગ્રણી ગૌતમ ગેડીયાએ પણ રાષ્ટ્ર એકતા પ્રત્યે સરદાર વલ્લભભાઈ પટેલના અડગ મનોબળ અને ભગીરથ પ્રયત્નોનું ભાવ સ્મરણ કર્યું હતું. પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ એકતા પદયાત્રા નિમિત્તે શાબ્દિક સ્વાગત સાથે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ યુનિટી માર્ચમાં જોડાયેલા તમામ નાગરિકોએ સ્વદેશી અપનાવવાના અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ