વડનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાનારીરી મહોત્સવનો ભવ્ય શુભારંભ કરાવ્યો
ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ભારતીય સંસ્કૃતિના ૨૦૦૦ વર્ષોના ઇતિહાસને જાળવીને બેઠેલા વડનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાનારીરી મહોત્સવ ૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો. આ મહોત્સવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત
તાનારીરી મહોત્સવ


તાનારીરી મહોત્સવ


તાનારીરી મહોત્સવ


ગાંધીનગર, 23 નવેમ્બર (હિ.સ.) : ભારતીય સંસ્કૃતિના ૨૦૦૦ વર્ષોના ઇતિહાસને જાળવીને બેઠેલા વડનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાનારીરી મહોત્સવ ૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો. આ મહોત્સવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે યોજવામાં આવે છે.

આજના સંગીત સમારોહના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા કલાપિની કોમકલીને પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડનગરની ભૂમિમાં કંઈક એવું સત્વ-તત્ત્વ રહેલું છે કે અનાદિકાળથી અહીં સમર્પણ અને સેવા સાધનાની પરાકાષ્ઠા વિકસી છે. તેમણે તાનારીરીને અણમોલ સંગીત કલા વારસાનું ઉત્તમ ઉદાહરણ ગણાવતા કહ્યું કે, તેમની જેમ જ વડનગરના પનોતા પુત્ર અને વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્ર પ્રથમના ભાવથી કાર્યરત રહીને દેશ અને દુનિયાને સેવા સાધનાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલા અને સ્થાપત્યની આ નગરીના ઇતિહાસને પુનઃજીવિત કરવાનો સફળ આયામ ઉપાડ્યો છે. તેમણે PM મોદીની વિરાસત સંવર્ધન નીતિઓની વિગતો આપતા કહ્યું કે વડાપ્રધાનએ જ્યાં પ્રાથમિક શિક્ષણ લીધું, તેને પ્રેરણા સ્કૂલ તરીકે વિકસિત કરવામાં આવી છે. જ્યાં તેમણે બાળપણમાં પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી, તે રેલવે સ્ટેશનને રિડેવલપ કરવામાં આવી રહ્યું છે અને મલ્ટી મોડલ હબ વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, વડનગરના સમગ્ર પુરાતન વારસાને રજૂ કરતું અદ્યતન આર્કિયોલોજીકલ મ્યુઝિયમ પણ વડનગરમાં આકાર પામ્યું છે.

સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વડનગરમાં થયેલા વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, લટેરી વાવ, અંબાજી કોઠા તળાવ અને ફોર્ટ વોલનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પૌરાણિક હાટકેશ્વર મંદિરનો ઇતિહાસ લોકો જાણી શકે તે માટે લાઇટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરાયું છે.

મુખ્યમંત્રીએ ભારતીય સંગીત વિરાસતની સમૃદ્ધિની વાત કરતા કહ્યું કે આજે રોગની સારવાર માટે પણ મ્યુઝિક થેરાપીનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવી વિરાસતને યુગો સુધી સાચવી રાખવાનો અને સંવર્ધન કરવાનો સંકલ્પ કર્યો છે.

વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને કલા સંસ્કૃતિ સાથે જોડતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનની નેમ છે કે કલા સંસ્કૃતિની સ્વદેશી વિરાસત સચવાઇ રહે અને આવનારી પેઢીને પણ આ વારસાના જતનની પ્રેરણા મળે.

તેમણે આ કલા સંસ્કૃતિના જતન સાથે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વડનગરની આ પવિત્ર ધરતી પરથી કટિબદ્ધ થવા સૌને આહ્વાન કર્યું હતું.

સંગીત સમારોહમાં એવોર્ડ વિજેતા કલાપિની કોમકલી, પ્રસિદ્ધ સિતાર વાદક નિલાદ્રી કુમાર તથા ગાયિકા ઈશાની દવેએ શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય વાદન અને લોકગીતોની સુમધુર પ્રસ્તુતિથી વડનગરને સંગીતમય બનાવી દીધું હતું.

ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઇને સંગીત સમ્રાટ તાનસેનના દીપક રાગથી ઉત્પન્ન થયેલા દાહને શાંત કર્યો હતો અને તેમની કલાના સન્માન ખાતર આત્મબલિદાન આપ્યું હતું. તેની સ્મૃતિમાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં તાના-રીરી મહોત્સવ અને વર્ષ ૨૦૧૦માં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.

તાનારીરી મહોત્સવના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ જીતુભાઈ વાઘાણી અને ઋષિકેશ પટેલ, સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્યો કે.કે. પટેલ (ઊઝા), સરદારભાઈ ચૌધરી (ખેરાલુ), સુખાજી ઠાકોર (બહુચરાજી), રાજેન્દ્ર ચાવડા(કડી), વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકા શાહ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ આલોકકુમાર પાંડે, કલેક્ટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ આઈ આર વાળા,નિવાસી અધિક કલેક્ટરશ્રી શ્રી જશવંત જેગોડા સહિત વડનગર અને મહેસાણાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ સુમધુર સંગીતનો આસ્વાદ માણ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande