
- અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત
- કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ - ભુજમાં પશ્ચિમ ડીઇઓ કચેરીને મંજૂરી
અમદાવાદ, 20 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં 6 નવી સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં ગ્રામ્ય ડીઇઓ કચેરીને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ શહેર, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે.
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ - ભુજમાં પશ્ચિમ ડીઇઓ કચેરીને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યમાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ખૂબ વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્કૂલોની સંખ્યા વધી ગઈ હતી. જેના કારણે મોટા શહેરોમાં આવેલી વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ પર કામનું ભારણ વધી જતું હતું.
વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ પર કામનું ભારણ વધવાના કારણે ઘણી ફાઇલો પેન્ડિંગ રહેતી હતી. જેથી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન માટે રજુઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે શિક્ષણ વિભાગ દ્વારા 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મંજૂરી આપવામાં આવી છે.
કચ્છ સૌથી મોટો જિલ્લો હોવાથી એક જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હતી. જેથી શાળા સંચાલકોએ અને ધક્કા ખાવા પડી રહ્યા હતા. જેથી હવે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન કરવામાં આવ્યું છે. અંજારમાં પૂર્વ ડીઇઓ કચેરી અને કચ્છ-ભુજમાં પશ્ચિમ ડીઇઓ કચેરીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં પૂર્વ વિસ્તાર અંજારમાં 258 શાળાઓને અને પશ્ચિમ વિસ્તાર કચ્છ-ભુજમાં 329 સ્કૂલ રાખવામાં આવી છે.
કચેરીનું વિભાજન થતા નવી કચેરીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરની કચેરીનું પણ પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેર પૂર્વ ડીઇઓ કચેરીમાં 1242 સ્કૂલ અને અમદાવાદ શહેર પશ્ચિમ ડીઇઓ કચેરીમાં 650 સ્કૂલ રાખવામાં આવી છે. શાળા સંચાલકોની માંગ હતી કે પૂર્વ વિસ્તારમાં અલગ ડીઇઓ કચેરી બનાવવામાં આવે. જેથી શાળાઓ સંચાલકોને દૂર સુધી જવું ન પડે. પરંતુ વસ્ત્રાપુરમાં આવેલા બહુમાળી ભવનમાં બી બ્લોકમાં શહેર પૂર્વ ડીઇઓ કચેરીને વૈકલ્પિક બેઠક વ્યવસ્થા આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ