
સોમનાથ,20 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારના સાંસદ કંગના રાણાવત આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.
ધ્વજાપૂજા અને જલાભિષેક:
કંગના રાણાવતે શ્રી સોમનાથ મહાદેવને જલાભિષેક કર્યો હતો અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભક્તિભાવપૂર્વક ધ્વજાપૂજા કરી હતી. તેમણે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને દેશ તથા જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
રાણાવતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા 'વસ્ત્રપ્રસાદ' પ્રકલ્પની વિગતો જાણીને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ પ્રકલ્પ હેઠળ, માતા પાર્વતીને અર્પણ કરવામાં આવેલી સાડીઓ ટ્રસ્ટની અધિકારીક વેબસાઇટ somnath.org મારફતે દેશભરના ભક્તો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ ઉપરાંત અત્યાર સુધીમાં આમાંથી 21,000 વસ્ત્રો પ્રસાદ સ્વરૂપે જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યા છે.આ પ્રસંગે, કંગના રાણાવતે ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન કલ્યાણના વિઝનથી પ્રરીત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલી સામાજિક અને ધાર્મિક કામગીરીને ઊષ્માભેર બિરદાવી હતી.
આ મુલાકાત દરમિયાન, સોમનાથ ટ્રસ્ટ તરફથી ઈનચાર્જ જનરલ મેનેજર પરેશ ચાવડાએ કંગના રાણાવતનું અભિવાદન કર્યું હતું. તેમને મહાદેવનો પ્રસાદ અને સ્મૃતિચિત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ