પાર્ટનરે ગાંજો વેચવા માટે દબાણ કરી માર મારતા વેપારીએ જીવન ટૂંકાવ્યું
સુરત, 20 નવેમ્બર (હિ.સ.) શહેરના લસકાણા વિસ્તારમાં રહેતો અને પાનનો ગલ્લો પાર્ટનરમાં ચલાવતા યુવકને તેના જ પાર્ટનરે ગાંજો વેચવા માટે દબાણ કરતો હતો પરંતુ તેમણે ગાંજો વેચવાની ના પાડતા પાર્ટનરે તેને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હત
પાર્ટનરે ગાંજો વેચવા માટે દબાણ કરી માર મારતા વેપારીએ જીવન ટૂંકાવ્યું


સુરત, 20 નવેમ્બર (હિ.સ.) શહેરના લસકાણા વિસ્તારમાં રહેતો અને પાનનો ગલ્લો પાર્ટનરમાં ચલાવતા યુવકને તેના જ પાર્ટનરે ગાંજો વેચવા માટે દબાણ કરતો હતો પરંતુ તેમણે ગાંજો વેચવાની ના પાડતા પાર્ટનરે તેને માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ એટલી હદ સુધી હેરાન કર્યો હતો કે તેમને આત્મહત્યા કરવા મજબૂર કરી દીધો હતો. જેના કારણે વેપારીએ ઘરમાં અનાજમાં નાખવાની દવા ગટગટાવી લઈ આપઘાત કરી લેતા તેની માતાએ લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક યુવકના પાર્ટનર સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને સુરતમાં લસકાણા ખાતે આવેલ શ્યામધામ મંદિર પાસે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ બોરડ નો પુત્ર જગદીશ લસકાણા વિસ્તારમાં આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીમાં પાનનો ગલ્લો ચલાવતો હતો. જગદીશ આ પાનના ગલ્લામાં માત્ર 25% નો પાર્ટનર હતો પરંતુ તેમની સાથે કામરેજના ખડસદમાં રહેતો અને માથાભારે તરીકે છાપ ધરાવતો વિજય સામત 75% નો પાર્ટનર હતો. વિજય સામત અવારનવાર જગદીશને પાનના ગલ્લા પર ગાંજો વેચવા માટે દબાણ કરી માનસિક ત્રાસ આપતો હતો પરંતુ જગદીશએ વાત નહીં માનતા માથાભારે વિજય સામતે તેને માર પણ માર્યો હતો અને એલફેલ ગાળો આપી મરવા માટે મજબૂર કર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર જગદીશએ તારીખ 19/11/2025 ના રોજ બપોરે 3:00 વાગ્યાના અરસામાં ઘરે આવી અનાજમાં નાખવાની દવા ગટગટાવી લઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે તેમની માતા રસીલાબેને લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિજય સામત સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી મોડી રાત્રે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી વિજય સામત માથાભારે તરીકે છાપ ધરાવે છે. તેમની સામે અલગ અલગ પોલીસ મથકમાં મારામારી, ધમકી, પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હતા. જેથી વિજય સામતને કોઈપણ વ્યક્તિનો ડર ન હતો અને જેના માટે જ તે જગદીશને પણ માર મારી માનસિક ત્રાસ આપી ગાંજો વેચવા માટે દબાણ કરતો હતો. હાલ તો પોલીસે વિજય સામતની ધરપકડ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande