
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકાના કારોબારી સભામાં 14 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. આ બેઠક કારોબારી ચેરમેન મુકેશ પટેલની અધ્યક્ષતામાં નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. એજન્ડાના પાંચ કામો અને વધારાના નવ કામોનો સમાવેશ કરીને સર્વાનુમતે આ કામો પસાર કરાયા.
આ મંજૂરીમાં RCM અંતર્ગત પાટણ શહેરના લગભગ 70 ટકા રોડ-રસ્તાઓને આવરી લેતા 49 કામોનો સમાવેશ થાય છે. આ કામોથી શહેરના માર્ગોની સ્થિતિ સુધરશે અને વાહન વ્યવહાર સરળ બનશે.
લેગસી વેસ્ટ (સૂકા-ભીના કચરા) માટે અગાઉ મંજૂર થયેલા ટેન્ડરને રદ કરીને જૂના ટેન્ડરને પુનઃ બહાલ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. CEO રજા પર હોવાથી રી-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કારોબારીએ તેને રદ કરી જૂના ટેન્ડરને જ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.
રેલવે સ્ટેશન નજીકના ગૌરવપથને દોઢ મીટર પહોળો કરવા મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરીમાં લારી-ગલ્લાઓના દબાણ હટાવવું, ડિવાઈડર બનાવવો અને જૂની ગ્રીલ દૂર કરવી સામેલ છે. નવા બસ સ્ટેન્ડને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર સુગમ બનાવવા માર્ગ વિસ્તૃત કરાશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ