


પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા ‘સરદાર 150 યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે પાટણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સિદ્ધપુર ખાતે યોજાયો જેમાં 3,000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સહીત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી પદયાત્રાનો પ્રારંભ કર્યો.
યાત્રા સિદ્ધપુરના જુના ટાવર પાસેથી શરૂ થઈ અંડરપાસ, તાવડીયા ચાર રસ્તા, કાકોશી ચાર રસ્તા અને ગાગલાસણ ગામથી પસાર થઈ. બાદમાં સુજાણપુર ગામના ગેટ પરથી આગળ વધી ગોકુલ યુનિવર્સિટી કેમ્પસમાં યાત્રાનો સમાપન થયો. અંદાજિત 8 કિમી લાંબી આ પદયાત્રામાં યુવાનો, વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા.
કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રીય એકતા અને નશામુક્તિના શપથ લીધા. યાત્રાનો મુખ્ય હેતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવાનો અને ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને પ્રસરિત કરવાનો હતો. પદયાત્રીઓ દ્વારા રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.
યાત્રાનું સ્થાનિક લોકોએ ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કર્યું અને મોટી સંખ્યામાં સહભાગી બન્યા. આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સહિત અનેક મહાનુભાવો, અધિકારીઓ, નગરજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ