




પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાના વિતરણ પ્રસંગે પોરબંદર જિલ્લાના ખાપટ સ્થિત અસ્પી કૃષિ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારે યોજનાની પૃષ્ઠભૂમિ સમજાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ ખેડૂતોના કલ્યાણને કેન્દ્રસ્થાને રાખીને અનેક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના માધ્યમથી વાર્ષિક ત્રણ સમાન હપ્તામાં રૂ. 6,000ની રકમ સીધા લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા થતી હોવાથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખેડૂતોને મહત્ત્વપૂર્ણ સહારો પ્રાપ્ત થાય છે.
પ્રમુખએ વધુમાં જણાવ્યું હતું કે, આયુષ્માન કાર્ડ, લોન, વિવિધ સહાય યોજનાઓ, ધિરાણ સુવિધા જેવી છેવાડાના વ્યક્તિના હિતલક્ષી યોજનાઓના લાભો સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં અમલમાં આવેલા જીએસટી રિફોર્મ – 2025 અંતર્ગત ખેતીમાં યાંત્રિકરણ માટે વપરાતા સાધનો પર જીએસટીના દરોમાં કરવામાં આવેલી ઘટાડાની વિગતો પણ તેમણે આપી હતી.
તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે, તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ઊભા પાકને થયેલ નુકસાન બદલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રૂ. 10,000 કરોડના ઐતિહાસિક પેકેજની જાહેરાત કરીને ખેડૂતોને સાચા અર્થમાં બળ આપ્યું છે.
કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક વિરાટ પરમારે પ્રાકૃતિક ખેતીના વિવિધ પરિપ્રેક્ષ્યો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.
તેમજ રાજ્યકક્ષાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષતાના કાર્યક્રમ અને રાષ્ટ્રકક્ષાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતાના તમિલનાડુના મુખ્ય કાર્યક્રમ એમ બંને કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ તમિલનાડુમાંથી વર્ચુઅલ રીતે સમગ્ર દેશના ખેડૂત મિત્રોને સંબોધતા સંદેશ આપ્યો હતો અને કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો DBT મારફતે ખેડૂતોના ખાતામાં જમાકરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા પંચાયત પોરબંદરના કારોબારી ચેરમેન આવડાભાઈ ઓડેદરા, પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ ભુરાભાઈ કેશવાલા, અસ્પી કૃષિ કોલેજના આચાર્ય એચ.આર. વદર સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya