સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ
સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : સુરત શહેર કોંગ્રેસના રાજકારણમાં તણાવ વધી રહ્યો છે. શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ કોંગ્રેસના પ્રવક્તા કલ્પેશ બારોટને પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને પ્રોટોકોલના ભંગ બદલ શિષ્ટભંગની નોટિસ ફટકારી છે, જેના કારણે શહેર કોંગ્રેસમાં ગરમાવ
પ્રવક્તા કલ્પેશ બારોટ


સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : સુરત શહેર કોંગ્રેસના રાજકારણમાં તણાવ વધી રહ્યો છે. શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ કોંગ્રેસના પ્રવક્તા કલ્પેશ બારોટને પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને પ્રોટોકોલના ભંગ બદલ શિષ્ટભંગની નોટિસ ફટકારી છે, જેના કારણે શહેર કોંગ્રેસમાં ગરમાવો સર્જાયો છે.

ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં જુથબંધી તેજ

સુરત પાલિકા ચૂંટણી નજીક આવતાં રાજકીય સક્રિયતા વધવા લાગી છે, પરંતુ કોંગ્રેસ એકતાની જગ્યાએ ફરી જુથબંધીમાં ફસાતી દેખાઈ રહી છે.

ગત પાલિકા ચૂંટણીમાં શૂન્ય પર આવી ગયેલી કોંગ્રેસ હાલમાં ‘જનતા રેડ’ જેવા કાર્યક્રમો દ્વારા ફરી સક્રિય થવાનો પ્રયાસ કરી રહી છે, છતાં આંતરિક મતભેદો ખુલ્લે પડી રહ્યા છે.

નોટિસના કારણો પર ચર્ચા ગરમ

નોટિસ મુજબ કલ્પેશ બારોટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નિયમો અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ છે. છેલ્લા કેટલાક સમયથી બારોટ રેલવે અને અન્ય મુદ્દાઓ પર સરકાર સામે વિરોધ કરી રહ્યા છે, છતાં તેમની સામે નોટિસ જારી થતાં કોંગ્રેસમાં ચર્ચા તેજ થઈ છે.

સૂત્રો અનુસાર, અમિત ચાવડા અને તુષાર ચૌધરીની નિમણૂક સમયે લગાવાયેલા અભિનંદન બેનરમાં શહેર પ્રમુખનો ફોટો ન હોવો, તેમજ છઠ પૂજા દરમિયાન ઉત્તર ભારતીય મુસાફરોને આપવામાં આવેલી સુવિધા કાર્યક્રમમાં શહેર પ્રમુખની ગેરહાજરી—આ મુદ્દાઓને લઈને મતભેદ વધી ગયો હોવાનું માનવામાં આવે છે.

પ્રવક્તાનો 3 પાનાનો જવાબ

કલ્પેશ બારોટે નોટિસ સામે ત્રણ પાનાનો લેખિત જવાબ આપ્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે તેમની નિમણૂક પ્રદેશ કોંગ્રેસે કરી છે, તેથી શહેર પ્રમુખ તેમને નોટિસ આપી શકે નહીં. સાથે જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કઈ કરી તે સ્પષ્ટ જણાવવાની માંગ પણ કરી છે.

કોંગ્રેસમાં ચર્ચા છે કે નવા નેતાઓ વચ્ચે જ ખીંચતાણ વધી રહી છે, જેને કારણે જુથબંધી વધુ વકરી શકે છે અને તેનો સીધો પ્રભાવ આવનારી પાલિકા ચૂંટણી પર પડી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande