
જામનગર, 20 નવેમ્બર (હિ.સ.) : દાઉદી વ્હોરા સમાજને જેમના આગમનનો ઈન્તેજાર હોય છે તેવા સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સાહેબની જામનગરમાં બે વર્ષે પધરામણી થતાં હજારો વ્હોરા ભાઈઓ-બહેનો તેમની એક ઝલક મેળવવા વ્હોરાના હજીરા ખાતે પહોંચી ગયા હતા. જ્યાં અનુયાયીઓને મળીને બે કલાકના આરામ બાદ ધર્મગુરૂ સૌરાષ્ટ્ર યાત્રાએ નીકળી ગયા હતા.
મુંબઈથી તા. 19ની બપોરે સૈયદના સાહેબ જામનગર એરપોર્ટ પર આવી પહોંચતા અનુયાયીઓ અને વ્હોરા સમાજના આમીલ તથા હોદ્દેદારોએ અને અગ્રણીઓએ તેઓનું ભાવભર્યું સ્વાગત કર્યા બાદ મોટર કાફલો વ્હોરા સમાજના યાત્રાધામો પૈકીના એક બદરી મઝારવાળા વ્હોરાના હજીરા તરીકે ઓળખાતા સ્થળે આવ્યો હતો.
જ્યાં તેઓ અનુયાયીઓને મળ્યા હતા. જાહેર કાર્યક્રમ મુજબ જામનગરથી તેઓ મોટર માર્ગે પડધરી પહોંચીને ત્યાં પહોંચેલા સૌરાષ્ટ્રભરના અનુયાયીઓને મળીને રાત્રે વાંકાનેર પહોંચીને રોકાણ કરીને સાયલા, લીંબડી, ચુડા, રાણપુર, વિંછીયા, બોટાદ, દામનગર, વાડી, ચિત્તલ અપરેલી, બાબરા અને ચોટીલા જાય, તેવા કાર્યક્રમમાં અનુકુળતા મુજબ રોકાણ કરશે. સૌરાષ્ટ્ર અને જામનગરમાં સૈયદના સાહેબનું આગમન બે વર્ષ થયું હોવાથી વ્હોરા સમાજમાં ધાર્મિક ઉમંગ વ્યાપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt