
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) પાટણના વોર્ડ નંબર 11માં વરસાદી પાણી ભરાવા અને નવા બનેલા રસ્તાનું યોગ્ય લેવલિંગ ન થતા મહિલાઓએ નગરપાલિકામાં પહોંચી ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો. લાંબા સમયથી ચાલતી સમસ્યા છતાં ગટર અને સ્ટોર્મ વોટર લાઈનનું કામ શરૂ ન થતા તેમણે કારોબારી ચેરમેનની ચેમ્બરમાં રજૂઆત કરી.માહી સોસાયટી, એપોલો નગર, સોપાન હોમ્સ, દીયાંના પ્રાઈમ સહિત અનેક સોસાયટીઓમાં વર્ષોથી વરસાદી અને ભૂગર્ભ પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની રહી છે. પાણી ભરાવાને કારણે બાળકો, મહિલાઓ અને પુરુષોને રોજિંદા જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.રહીશોએ જણાવ્યું કે પાંચ વર્ષથી નગરપાલિકા પાસે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. અગાઉ પાલિકા પ્રમુખે ચોમાસા બાદ તરતજ કામ શરૂ કરવાની ખાતરી આપી હતી, પરંતુ બે મહિના વીતી ગયા છતાં સ્થળ પર કાર્ય શરૂ ન થવાથી મહિલાઓએ શાસક પક્ષ અને સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો.સ્થાનિક અગ્રણી તન્વી પટેલ અને પાલિકાના કારોબારી ચેરમેન મુજબ આજે જ GUDC મારફતે સ્ટોર્મ વોટર લાઈનનું ટેન્ડર ખોલાશે અને ટેન્ડર પ્રક્રિયા બાદ ભૂગર્ભ લાઈન તથા રોડનું કામ શરૂ થશે. મહિલાઓએ ચેતવણી આપી છે કે લેખિત ખાતરી મળ્યા વગર તેઓ પાલિકાના પટાંગણમાં ધરણા ચાલુ રાખશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ