


સુરત , 20 નવેમ્બર (હિ.સ.) : સુરતના ઉમરા–વેલંજા રોડ પર રંગોલી ચોકડી નજીક આવેલા પતરાના શેડમાં સોમવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ પ્રથમ ભંગારના ગોડાઉનમાં લાગી હતી, જે થોડા જ સમયમાં વિકરાળ બની આસપાસની ટાયરની, ફોટોફ્રેમની અને ફરસાણની ત્રણ દુકાનો સુધી પ્રસરી ગઈ હતી. આગ એટલી મોટી હતી કે ધુમાડાના ગોટેગોટા 3 કિમી દૂરથી સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
મળતી માહિતી મુજબ, પતરાના શેડ હેઠળ ભંગારનું ગોડાઉન હતું અને નજીકની ટાયરની, ફોટોફ્રેમ અને ફરસાણની સહિત કુલ સાત જેટલી દુકાનો આવેલી હતી. ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિક, લાકડાં જેવો સરળતાથી સળગે એવો સામાન હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને મિનિટોમાં જ ભારે ભડકો સર્જાયો.
બે ફાયર સ્ટેશનની 3 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો
આગની જાણ થતાં જ ફાયર વિભાગની કોસાડ અને મોટાવરાછા સ્ટેશનની કુલ ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભંગાર અને ટાયરની દુકાનમાંથી ઉઠતા ઘન અને ઝેરી ધુમાડાને કારણે ફાયર જવાનોને માસ્ક પહેરીને જ કામગીરી કરવી પડી હતી. લગભગ પોણા કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.
ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું કે, “અમારે સૌપ્રથમ આગને આગળ પ્રસરે તે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ગોડાઉનની આગ બે દુકાનો સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તેને આગળ વધતી અટકાવવામાં સફળતા મળી હતી. ઝેરી ધુમાડાને કારણે ખાસ કાળજી લેવી પડી હતી.”
ગોડાઉન અને ટાયરની દુકાન સંપૂર્ણ ખાક
આગથી ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન સંપૂર્ણપણે બળી ખાક થઈ ગઈ છે જ્યારે ફોટોફ્રેમની દુકાનમાં પણ ભારે નુકસાન થયું છે. આગ બુઝાવી લેવામાં આવ્યા બાદ લગભગ એક કલાક સુધી કૂલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનાએ પતરાના શેડમાં ચાલતી દુકાનોની સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે