
સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : સુરત કડોદરા રોડ, કુંભારીયા સ્થિત કૂબેરજી ડેક માર્કેટના વેપારીને શરુઆતમાં સમયસર પેમેન્ટ આપી દીલ્હીના વેપારીએ વિશ્વાસમાં લીધા બાદ 45 દિવસની મુદ્દતે 13.06 લાખનો લેડીઝ સલવાર સૂટનો કાપડનો માલ ખરીદ્યા બાદ ચુનો ચોપડ્યો હતો.
સારોલી પોલીસના જણાવ્યા મુજબ વેસુ, સ્ટાર ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય જુગલભાઈ ભંવરલાલ રાઠી કુંભારીયામાં કુબેરજી ડેક માર્કેટમાં કાન્હા ફેશન ફર્મના નામથી ધંધો કરે છે. સને 2023માં તેમની પાસેથી દિલ્હીમાં ઓલ્ડ મારવાડી ખાતે મનોહરલાલ એન્ડ કૂ નામની કંપનીના માલીક મોહીત નિર્મલકુમારે મીઠીમીઠી વાતો કરી લેડીઝ સલવાર સૂટના કાપડનો માલ ખરીદ્યો હતો અને તેનું સમયસર પેમેન્ટ ચુકવી આવી જુગલભાઈને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ મોહીત નિર્મલકુમારે 45 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની કન્ટીશનમાં ગત તા 1 નવેમ્બર 2023 થી 25 એપ્રિલ 2024 સુધીમાં અલગ અલગ બીલ ચલણથી કુલ રૂપિયા 13,06,789નો લેડીઝ સલવાર શૂટ કાપડનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં મોહીતે પેમેન્ટ નહી ચુકવતા જુગલભાઈએ પેમેન્ટ માટે ફોન કરતા રૂપિયા 1.55 લાખની રકમના તારીખ વગરના ચાર ચેકો આપ્યા હતા. જે ચેકોના આધારે જુગલભાઈએ બેન્કમાં તપાસ કરતા તેના ખાતામાં નાણાં નહી હોવાનુ બહાર આવતા ચેકો બે્ન્કમાં જમા કરાવ્યા ન હતા. આ અંગે મોહિતને જાણ કરવા છતાંયે પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે જુગલભાઈની ફરિયાદને આધારે પોલીસે મોહીત નિર્મલકુમાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે