
સુરત, 20 નવેમ્બર (હિ.સ.) : વેડ રોડ પર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોની ડ્રેનેજ લાઈન, રોડ રીપેરીંગ અને પાણીની લાઈન નાખવા બાબતે મિટિંગ મળી હતી. જોકે આ મિટિંગમાં એપાર્ટમેન્ટમાં રહેતા બંગાળી લોકોએ ભેગા થઈ પ્રમુખને ગાળો આપી જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી જાહેરમાં ન બોલવાના શબ્દો કહ્યા હતા એટલું જ નહીં પરંતુ બીજી વખત પ્રમુખ બનવાની કે મિટિંગ ગોઠવવાની વાત નહીં કરતા નહીં તો ઘરના પરિવારને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર એપાર્ટમેન્ટના પ્રમુખે આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી સાથે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે વેડ રોડ પર આવેલ પ્રભુનગર વિભાગ-1 માં શ્રી હોમ્સ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા સોસાયટીનીપ્રમુખ છે. ગત તારીખ 8/10/2025 ના રોજ રાત્રે સોસાયટી મેન્ટેનન્સ તથા ડ્રેનેજ લાઈન પાઇપ, રોડ રીપેરીંગ અને પાણીને લાઈન નાખવા બાબતે મિટિંગ મળી હતી. આ સમયે મહિલા પ્રમુખ તથા તેના પતિ પણ મિટિંગમાં હાજર હતા. ત્યારે શ્રી હોમ્સ એપાર્ટમેન્ટમાં રહેતા સુમન નાગ (રહે-ફલેટ નં.201, શ્રી હોમ્સ એપાર્ટમેન્ટ, વેડ રોડ), પાર્વતી અરૂપ પાલ (રહે-ફલેટ નં.302, શ્રી હોમ્સ એપાર્ટમેન્ટ, વેડરોડ), દેબપ્રસાદ જીબાન મંડલ (રહે- ફલેટ નં.301, શ્રી હોમ્સ એપાર્ટમેન્ટ, વેડ રોડ) અને રીયા બબલુ મંડલ (રહે-ફલેટ નં.304, શ્રી હોમ્સ એપાર્ટમેન્ટ, વેડ રોડ) ભેગા મળીને પ્રમુખ અને તેના પતિને એલ ફેલ ગાળો આપવાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં પરંતુ બાદમાં તમામે ભલે ડ્રેનેજ લાઈન કપાઈ જાય, આપણે કોઈ ડ્રેનેજ લાઈન પાણીની લાઈન લેવાની થતી નથી. તમે પૈસા ભરી દો અમે પ્રમુખ તમને રાખવા માંગતા નથી. તેમ કહીને જાતિ વિષયક ગાળો બોલી અપમાન કર્યું હતું. આ ઉપરાંત પરણિતાને પેટમાં લાત મારી તમારા જેવા લોકો અમારી સોસાયટીમાં રહેવા દઈશું નહીં અને બીજી વખત પ્રમુખ બનવાની કે મિટિગ ગોઠવવાની વાતો કરી છે તો અમે બધા બંગાળીઓ ભેગા થઈને તને અને તારા ઘરના પરિવારને જાનથી મારી નાખીશું અને સોસાયટી છોડીને જતા રહો તેવી ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર પરણીતાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે