

પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામે દીકરી પ્રવિણાબેનના લાભાર્થે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 161 બોટલ રક્ત એકત્રિત થયું. પ્રવિણાબેન છેલ્લા સાત વર્ષથી ગંભીર બીમારી સામે લડી રહી છે અને અત્યાર સુધીમાં તેમને 135 બોટલ જેટલું લોહી ચઢાવવામાં આવ્યું છે.
શ્રી રામ જન સેવા સંસ્થાનના નેતૃત્વ હેઠળ સુજાણપુર તથા કુંવારા ગામના યુવાનોએ મોટા ઉત્સાહ સાથે સહયોગ આપ્યો હતો, જેમાં કુંવારા ગામના યુવાનો દ્વારા 60 જેટલું રક્તદાન કરવામાં આવ્યું. અમદાવાદની કેન્સર હોસ્પિટલ અને સિવિલ કેમ્પસની બ્લડ બેન્કની ટીમે રક્ત સંગ્રહ માટે સેવા આપી. ઓછા સમયમાં તૈયારી હોવા છતાં 161 બોટલ રક્તદાનનો સરાહનીય કીર્તિમાન નોંધાયો.
બ્લડ બેન્કના નિયમ મુજબ હિમોગ્લોબિન ઓછું હોવાથી આશરે 60 ઈચ્છુક દાતાઓ રક્તદાન કરી શક્યા નહોતા, નહિતર આ આંકડો 200થી વધુ થયો હોત. આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, ત્રિરંગા વિદ્યા સંકુલ અને આસપાસના ગામોના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. કન્વીનર પ્રવીણ એચ. પટેલ અને સહ-કન્વીનર પ્રકાશ પટેલ રાજપૂરે તમામ દાતા અને સહયોગીઓને હ્રદયયપૂર્વક આભાર માન્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ