


મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના 63 વર્ષીય દશરથપટેલ છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી દ્વારા આવકનો નવો માર્ગ ઉભો કરી રહ્યાં છે. તેઓએ આત્મ સંસ્થામાં તાલીમ બાદ પ્રાકૃતિક ખેતી અપનાવી અને કપાસ, ઘઉં જેવા પાક સાથે વાલોળ, તુવેર, રીંગણ, ભટ્ટા જેવા શાકભાજીનું ઉત્પાદન શરૂ કર્યું. આ શાકભાજી રિટેલમાં વેચીને તેઓ રોજિંદી આવક મેળવે છે. પ્રાકૃતિક પદ્ધતિઓના કારણે પાકની ગુણવત્તા ઉત્તમ બની અને તેમની રીત અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાત્મક બની.શરૂઆતમાં તેઓ પોતાના ખેતર માટે જીવામૃત, ઘન જીવામૃત અને લસણવાળી દવા બનાવતા હતા. બાદમાં તેમની દવાઓની અસર જાણી આસપાસના ખેડૂતોમાં માંગ વધવા લાગી. દશરથભાઈએ શરૂઆતમાં મફતમાં દવાઓ આપી, પછી વધતી માંગને ધ્યાનમાં રાખી વાજબી ભાવે વેચાણ શરૂ કર્યું. હાલ જીવામૃત ₹5–₹10 પ્રતિ લિટર અને 50 કિલો ઘન જીવામૃત ₹300માં વેચાય છે. આ વર્ષે તેમણે 125 થેલી વેચી અને 36 થેલી મફતમાં આપી. લસણવાળી દવાના પણ 1500–2000 લિટર જેટલા વેચાણથી તેઓ દર વર્ષે આશરે ₹10–₹12 હજાર કમાય છે.આ સમગ્ર પ્રવૃત્તિઓમાંથી આ વર્ષે દશરથભાઈને ₹33 હજાર જેટલો નફો અને પ્રાકૃતિક ખેતીમાંથી વધારાની ₹30 હજાર કમાણી થઈ છે. ખેતી, સ્વનિર્મિત દવાઓ અને રિટેલ વેચાણ – ત્રણેયને જોડીને તેમણે સ્થિર અને લાભદાયી ખેતી મોડેલ ઉભું કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR