

મહેસાણા, 21 નવેમ્બર (હિ.સ.) ઉંઝાની શેઠ એમ. આર. એસ. હાઈસ્કૂલ અને શ્રી એમ. એચ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઊંઝા નાગરીક સહકારી બેંક, ઊંઝા શાખાની માહિતીપ્રદ મુલાકાત લીધી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને બેંકિંગ વ્યવસ્થા, નાણાકીય સેવાઓ અને દૈનિક જીવનમાં બેંકના મહત્વ વિષે પ્રાથમિક જાણકારી આપવાનો હતો.
બેંકના અનુભવી કર્મચારી મિતેશભાઈએ વિદ્યાર્થીઓને બેંકની વિવિધ પ્રક્રિયાનું સરળ અને સમજૂતીરૂપે માર્ગદર્શન આપ્યું. તેમણે ખાતું ખોલવાની પ્રક્રિયા, નાણાં જમા–ઉપાડવાની પદ્ધતિ, ફિક્સ્ડ ડિપોઝિટ, લોન સુવિધાઓ, ડિજિટલ બેંકિંગ, ATM અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન જેવી આધુનિક સેવાઓની વિગતવાર સમજ આપી. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને મિતેશભાઈએ દરેક પ્રશ્નનું સરળ ભાષામાં સંતોષકારક સમાધાન આપ્યું.
વિદ્યાલયના શિક્ષકોના જણાવ્યા મુજબ આવી મુલાકાતો વિદ્યાર્થીઓમાં નાણાકીય શિસ્ત, બચતની આદત અને બેંકિંગ પ્રત્યે વિશ્વાસ વધારવામાં મદદરૂપ બને છે. વિદ્યાર્થીઓએ પણ બેંકિંગ પ્રક્રિયા નજીકથી જોઈ પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત કર્યું.
આ રીતે ઊંઝા નાગરીક સહકારી બેંકની આ માર્ગદર્શન મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ અને તેમના ભવિષ્યમાં નાણાંકીય વ્યવસ્થા સમજવા માટે મજબૂત આધાર પૂરું પાડ્યો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR