
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.)રાધનપુરના રસ્તા પર એક અજાણી યુવતી આમતેમ ફરી રહી હોવાની જાણ થતાં પાટણની અભયમ 181 ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતી હિન્દી ભાષા બોલતી અને સ્થાનિક વિસ્તારની ન હોવાનું જણાતાં ટીમે તેની સુરક્ષાને પ્રાથમિકતા આપી.
માનસિક રીતે અસ્થિર દેખાતી યુવતી પોતાનું રાજ્ય રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બંને બતાવી રહી હતી. પૂછપરછમાં તેણે રાધનપુર નજીકનાં કોઈ ગામમાં સાસરી હોવાનું જણાવ્યું, છતાં તે અંગે સ્પષ્ટ માહિતી આપી શકતી ન હતી.
ટીમે યુવતીના જણાવ્યા મુજબ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. અંતે ઉત્તર પ્રદેશના મુસ્કટા પોલીસ સ્ટેશન મારફતે તેના પિતાથી સંપર્ક થઈ શક્યો, જ્યાંથી જાણવા મળ્યું કે યુવતી 16 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગઈ હતી અને પિતાએ તેના સાથે તમામ સંબંધ તોડી નાખ્યા છે.
પ્રતિસાદ મળ્યા બાદ અભયમ ટીમે યુવતીની સુરક્ષા અને સંભાળને ધ્યાનમાં રાખીને તેને સુરક્ષિત આશ્રયગૃહમાં મોકલી આપી, જ્યાં હવે તેની યોગ્ય દેખરેખ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ